હજયાત્રા ઉપર બ્રેક, ગુજરાતમાં 7,285ને નાણાં પરત કરાશે

June 24, 2020

હજયાત્રા ઈચ્છુકો પાસેથી ફોર્મ ફી પેટે ૮૮.૫૦ લાખની કમાણી


કોરોનાની મહામારીને ધ્યાને રાખીને સાઉદી સલ્તને વર્ષ ૨૦૨૦માં હજયાત્રા પર પાબંદી મૂકી છે, આ વર્ષે માત્ર સાઉદી અરેબિયાના નાગરિકો જ હજયાત્રા કરી શકશે, એ સિવાય અન્ય કોઈ પણ દેશના નાગરિકો આ યાત્રા નહિ કરી શકે. સાઉદી સરકારના આ નિર્ણયને પગલે ગુજરાતમાંથી પસંદ થયેલા ૭,૨૮૫ જેટલા હજયાત્રીઓને આગામી એક મહિનાની અંદર તેમણે ભરેલી રકમ રિફંડ કરી દેવામાં આવશે.


કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં દેશમાંથી કોઈ પણ વ્યક્તિ હજયાત્રાએ જઈ નહિ શકે તેમ કહેતાં હજ કમિટીના સૂત્રોએ જણાવ્યું કે, મુંબઈ હજ કમિટી તરફથી જે તે વ્યક્તિએ ભરેલી રકમ કેન્સલેશન ચાર્જ વગર સીધા બેંક ખાતામાં પરત જમા કરવામાં આવશે. આ કારણસર હવે કોઈએ પણ કેન્સલેશન ફોર્મ ભરવાની જરૂર નહિ પડે.


કોરોના મહામારીના કારણે મુંબઈ હજ કમિટી પાસેથી પાસપોર્ટ મેળવવામાં વિલંબ થવાની શક્યતા છે, તેથી મુંબઈ હજ કમિટી દ્વારા જ્યારે ગુજરાત હજ કમિટીને પાસપોર્ટ પરત કરવામાં આવશે ત્યારે અરજદારોને પાસપોર્ટ પરત કરવામાં આવશે. હવે હજયાત્રામાં સબસિડી મળતી નથી, આ યાત્રામાં જીએસટી વસૂલવામાં આવે છે.


ગુજરાતમાં મંદીના કારણે આમેય કેલન્ડર વર્ષ ૨૦૨૦માં માંડ ૨૯,૫૦૦ અરજીઓ આવી હતી, અરજી દીઠ રૂ.૩૦૦ વસૂલવામાં આવ્યા હતા, આમ હજ કમિટીને ગુજરાતમાંથી રૂ.૮૮.૫૦ લાખની કમાણી થઈ હતી, હવે આ ફોર્મ ફીની રકમ મળશે કે કેમ તેવો પણ હજ ઈચ્છુકો સવાલ કરી રહ્યા છે.