રાસનોલમાં ભાઈ-બહેને સામૂહિક આત્મહત્યા કરતા ચકચાર, સ્યુસાઈડ નોટમાં કર્યો ધડાકો

February 22, 2021

આણંદ જિલ્લાના રાસનોલ ગામમાં એક જ પરિવારના બે પ્રૌઢ ભાઈ-બહેનની આત્મહત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં દેવું થઈ જતા બન્ને ભાઈ બહેને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલમાં તો અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે આણંદ જિલ્લાના રાસનોલ ગામમાં ઇન્દિરા નગરીમાં રહેતા મમતાબેન રાજુભાઇ પટેલ અને તેમના માનસિક અસ્થિર ભાઈ અશોકભાઈનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ ઘરમાં લટકતો મળી આવતાચકચાર મચી જવા પામી છે. ઘટના સ્થળે તપાસ કરતા ત્રણ ગાળીયા બનાવેલા જોવા મળ્યા હતા. જેમાં બે ગળીયામાં મૃતદેહ લટકતા હતા જયારે ત્રીજો ગાળિયો ખાલી હતો અને મમતાબેનના પતિ રાજુભાઇ ઘરમાંથી લાપતા હતા. પોલીસે તપાસ કરતા ઘરમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેઓને દેવું થઈ જતા આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે. જો કે રાજુભાઇ મળે પછી જ સમગ્ર ઘટના અંગે જાણકારી મળી શકે છે.


આ ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા બંને મૃતકોના મૃતદેહને પોસ્ટ.મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેઓના પરિવારજનોને સુપ્રત કર્યા હતા. મૃતક મહિલા મમતાબેન અને રાજુભાઈએ મહિલાઓનું જુથ બનાવી જુદી જુદી મહિલાઓનાં નામે ખાનગી બેંકમાંથી ધિરાણ લીધું હતું અને ત્યારબાદ ધીરાણ ભરપાઈ નહી કરતા ધિરાણ આપનાર બેંક દ્વારા ધિરાણ વસુલ કરવા ભારે દબાણ કરાતું હોઈ આત્મહત્યા કરી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ ઘટનાને લઈને મૃતકના સગા વહાલાઓએ ભારે કલ્પાંત મચાવ્યું હતું.