BSPએ વર્ચ્યુઅલ પ્રચાર શરૂ કરી દીધો : માયાવતીના જન્મદિને પહેલી યાદી જારી કરાશે

January 12, 2022

- પક્ષના મહામંત્રી સતીશ મિશ્રાને ડીજીટલ પ્રચારની જવાબદારી સોંપાઈ, બહેનજીના જન્મદિને 15 જાન્યુ.એ ઉમેદવારોની પહેલી યાદી પ્રસિદ્ધ કરાશે
લખનૌ : ઉ.પ્ર.માં બહુજન સમાજ પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. માયાવતીએ સોમવારે પોતાનાં નિવાસસ્થાને પક્ષના વરીષ્ઠ નેતાઓની બેઠક બોલાવી હતી. તેમાં કોવિદ-૧૯ અંગે ચૂંટણી પંચે આપેલી માર્ગદર્શક રેખાઓનું સજ્જડ પાલન કરવા પણ જણાવાયું હતું. સાથે કહેવામાં આવ્યું કે, ઉમેદવારોને તેમનું અભિયાન ચલાવવામાં દરેક પ્રકારની મદદ કરવામાં આવશે.


રવિવારે બહેનજીએ રાજ્યની તમામે તમામ ૪૦૩ બેઠકોના પ્રભારીઓને બોલાવ્યા હતા. આજની બેઠકમાં પાર્ટી-મહામંત્રી સતીશચંદ્ર મિશ્રાને ડીજીટલ રીતે ચૂંટણી પ્રચાર કરવાની જવાબદારી સોંપાઈ હતી. સાથે તે પણ નિશ્ચિત કરાયું કે બહેનજીના જન્મદિને જ ૧૫મી જાન્યુ.એ. ઉમેદવારની પહેલી યાદી પ્રસિદ્ધ કરવામાં આવે. એક પ્રભારી આશરે ૧૦ બેઠકો ઉપર ધ્યાન રાખે છે તે ઉલ્લેખનીય છે. આ વખતે બસપા કોઈ  ગઠબંધન વીના એકલે હાથ ચૂંટણી લડવા માગે છે.


આ અંગે પાર્ટીના એક સભ્યને કહ્યું કે તેને પોતાનાં નિર્વાચીન ક્ષેત્રમાં પ્રકાશિત સૂચના વિજ્ઞાાપન તથા અન્ય સાહિત્યપ્રાપ્ત કરવા અંગે સરળતા રહેશે. આ વર્ષે પાર્ટીના સાંસદ એસ.સી.મિશ્રાએ ૯૬ રેલીઓ યોજી હતી. માયાવતીએ ૨૦૨૧માં પ્રસિદ્ધ કરેલી એક પુસ્તિકામાં યુપીમાં બસપા સરકાર દ્વારા શરૂ કરાયેલી દરેક મુખ્ય યોજનાનું વિવરણ છે. આ પુસ્તિકા ઘરે ઘેર વહેંચવામાં આવશે. અને બસપા સરકારે કરેલા વિકાસના આધારે જ પક્ષ ચૂંટણી લડનાર છે. તેમાં નોઇડા એરપોર્ટ, અને ગંગા-એક્સપ્રેસ જેવી પરિયોજનાઓ સમાવિષ્ટ હશે. પરંતુ આ પરિયોજનાઓ માટે વર્તમાન ભાજપ સરકાર દાવો કરી રહી છે તેથી આ પુસ્તિકા લોકોને મૂળવાત યાદ આપવા માટે કામમાં આવશે.