Budget 2024 : નાયડુ-નીતિશ પર સરકાર મહેરબાન, કરદાતા માટે બે મોટી જાહેરાત

July 23, 2024

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરી દેવાયું. સતત સાતમી વખત નાણામંત્રી નિર્મલા સીતારમણેે બજેટ રજૂ કર્યું હતું. જોકે આ બજેટમાં ટેક્સ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો અને 3 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સમુક્ત જાહેર કરવામાં આવી. જ્યારે ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓને ધ્યાનમાં રાખીને બજેટમાં મસમોટી જાહેરાતો કરવામાં આવી. પરંતુ શેરબજારને કદાચ આ બજેટ રાશ ન આવ્યું અને લીલા નિશાન પર ખુલ્યા બાદ તેમાં અચાનક કડાકો બોલાઈ ગયો હતો. 100 મોટા શહેરો માટે પાણી પુરવઠા, ગટરવ્યવસ્થા માટેના પ્રોજેક્ટ હાથ ધરાશે. 30 લાખથી વધુ વસ્તી ધરાવતા 14 મોટા શહેરોમાં ગતિશીલતા માટે વિકાસ યોજનાઓ લાગુ કરાશે. પીએમ આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ શહેરી અને મધ્યમ વર્ગના પરિવારોને લાભ મળશે. પસંદગીના શહેરોમાં 100 સાપ્તાહિક હાટ અને સ્ટ્રીટ ફૂડ હબ બનાવવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે રાજકોષીય ખાધ 2024-25 સુધીમાં જીડીપીનો 4.9% રહેવાનું અનુમાન છે. આ ખાધને 4.5%ની નીચે લાવવાનું લક્ષ્ય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. 3 થી 7 લાખ રૂપિયાની કમાણી પર 5 ટકા આવકવેરો ચૂકવવો પડશે. જો આવક 7 થી 10 લાખ રૂપિયા હોય તો 10 ટકાના દરે ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવશે. 10 થી 12 લાખની કરપાત્ર આવક પર 15 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે. 12 થી 15 લાખની કરપાત્ર આવક પર 20 ટકા આવકવેરો લાગશે. 15 લાખથી વધુની કરપાત્ર આવક પર 30 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે.