મકાનો સસ્તા થશે : ગુજરાતમાં ખેતીની જમીન ઉપર સસ્તા મકાનો બનાવવા બિલ્ડરોને છૂટ અપાશે, મુખ્યમંત્રીની જાહેરાત

October 17, 2020

અમદાવાદ : એફોર્ડેબલ હાઉસીંગને પ્રોત્સાહન આપવા અને બિલ્ડરો તેમજ ડેવલપર્સને સરળતાથી જમીન ઉપલબ્ધ બને તે માટે આજે ગુજરાત સરકારે એફોર્ડેબલ હાઉસીંગ માટે ખેતીની જમીન સરળતાથી મળી રહે તે માટે કાયદામાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. ગાઈહેડ ક્રેડાઇના વર્ચ્યુઅલ પ્રોપર્ટી શોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, એફોર્ડેબલ હાઉસીંગ નિર્માણ માટે સરળતાએ વધુ જમીન ઉપલબ્ધ થાય અને મોટાપાયે આવા આવસો બનાવી ઘરના ઘરનું સામાન્ય માનવીનું સપનું પાર પડે તે માટે ખેતીની જમીન કાયદા 63 AAA હેઠળ એફોર્ડેબલ હાઉસીંગ માટે સરકાર જમીનોની પરવાનગી આપશે.

વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, એફોર્ડેબલ હાઉસીંગ વધુ મોટા અને ત્રણ રૂમ રસોડાના મકાનો બાંધી શકાય તે હેતુસર 80 ચોરસ મિટર બિલ્ટઅપ એરિયાના સ્થાને હવે 90 ચોરસ મીટર બિલ્ટઅપ યુનિટનો એફોર્ડેબલ હાઉસીંગમાં સમાવેશ કરવામાં આવશે. આના કારણે લોકોને આ કેટેગરીમાં વધુ મોટા ઘર મળી શકાશે. આના પરિણામે હવે, લાભાર્થી પરિવારોને સુવિધાયુકત અને વધુ જગ્યાવાળા આવાસો મળતા થશે.

રૂપાણીએ બાંધકામ ક્ષેત્રને વેગ આપવા અન્ય એક જાહેરાત કરતાં કહ્યું કે, હાલ ચાર્જેબલ FSI બાંધકામ મંજૂરી વખતે લેવામાં આવે છે. પરંતુ આવી ચાર્જેબલ FSI વાળો બાંધકામ ભાગ પાછળથી કરવાનો થતો હોઇ આ FSI સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિએ લેવામાં આવશે. આ સંદર્ભમાં વ્યાજમાં રાહત આપવાની બાબતે પણ રાજ્ય સરકાર વિચારાધિન છે એમ ઉમેર્યુ હતું.

ગાઈહેડ ક્રેડાઇના પ્રેસિડેન્ટ અજય પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પહેલીવાર ઓનલાઈન પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ચ્યુઅલ પ્રોપર્ટી શોમાં નવરાત્રીના નવ દિવસો દરમિયાન અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોના 200થી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ જોવા મળશે. આમાં એફોર્ડેબલ હાઉસિંગથી લઈને હાઈ એન્ડ પ્રોપર્ટી, પ્લોટીંગ તેમજ કોમર્શિયલ અને ઓફિસ પ્રોપર્ટી જોવા મળશે.