કાળ બનીને ત્રાટક્યો કોરોના! આજે 22 લોકોનાં દુઃખદ મોત, કેસ 3500ની ઉપર નોંધાયા

April 07, 2021

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ જીવલેણ સાબિત થઈ રહી છે. અને દરરોજ કોરોના કેસોમાં 200 અંકોની આસપાસનો વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 3575 કેસો નોંધાયા છે. જ્યારે 22 લોકોનાં દુઃખદ મોત થયા છે. જ્યારે 2217 દર્દીઓ સાજા થયા છે. આમ જીવલેણ કોરોનાનું સંક્રમણ તો વધી રહ્યું છે પણ હવે ઘાતક કોરોનાને કારણે રાજ્યમાં મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રાજ્યનો રિકવરી રેટ પણ તે તરફ ઈશારો કરી રહ્યો છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 92.90 ટકા થઈ ગયો છે. 


રાજ્યમાં હાલ કોરોનાનાં કુલ કેસોનો આંક 3,28,453 પર પહોંચ્યો છે. જ્યારે કુલ મોતનો આંક 4620 થયો છે. અને અત્યાર સુધી કુલ 3,05,149 દર્દીઓએ કોરોનાને માત આપી છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 18,684 પર પહોંચી છે. જેમાં 175 દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે 18509 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 8નાં મોત થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 6 દર્દીઓને કોરોના ભરખી ગયો છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં 2 જ્યારે બનાસકાંઠા, ભાવનગર શહેર, મહીસાગર, મહેસાણા, પંચમહાલ અને વડોદરા શહેરમાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે. 


જિલ્લાવાર કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં 823 કેસ, 6 લોકોના મોત, સુરતમાં 819 કેસ, 10 દર્દીના મોત, રાજકોટમાં 490, વડોદરામાં 457, જામનગરમાં 175 કેસ, ભાવનગરમાં 90, ગાંધીનગરમાં 79, જૂનાગઢમાં 43 કેસ, પાટણમાં 111, મહેસાણામાં 66, કચ્છમાં 38 કેસ, મહિસાગરમાં 37, પંચમહાલમાં 33, ખેડામાં 32 કેસ, મોરબીમાં 31, દાહોદમાં 29, બનાસકાંઠામાં 26 કેસ, ભરૂચમાં 22, અમરેલીમાં 20, આણંદમાં 19 કેસ, નર્મદા, સાબરકાંઠા, વલસાડમાં 19 – 19 કેસ, નવસારીમાં 15, દ્વારકામાં 14, ગીર સોમનાથમાં 13 કેસ, સુરેન્દ્રનગરમાં 11, બોટાદમાં 9, તાપીમાં 5 કેસ, અરવલ્લી, છોટા ઉદેપુર, ડાંગમાં 3 – 3, પોરબંદરમાં 2 કેસ નોંધાયા હતા.


જો કે, રાજ્યમાં રસીકરણનો આંક ઘટ્યો છે. આજે રાજ્યમાં 1,75, 660 લોકોને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 71,86,613 વ્યક્તિઓને પ્રથમ ડોઝ તો 8,74,677 વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 80,61,290 વ્યક્તિઓને રસી મુકવામાં આવી છે.