નેપાળના મુગુ જિલ્લામાં રોડ પરથી બસ 300 ફૂટ નીચે નદીમાં ખાબકી, 32ના મોત

October 12, 2021

અકસ્માત બાદ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
કાઠમંડુઃ નેપાળના મુગુ જિલ્લામાં મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. મુગુ જિલ્લાથી ગામગઢી જતી પેસેન્જર બસ રસ્તા પરથી લપસી ગઈ અને 300 મીટર નીચે નદીમાં પડી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ માર્ગ અકસ્માતમાં 32 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. એક વેબસાઇટના અહેવાલ મુજબ, નેપાળગંજથી ગામગઢી જતી વખતે બસ છાયાનાથ રારા નગરપાલિકામાં પીના ઝ્યારી નદીમાં ખાબકી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અકસ્માતમાં હાલમાં મૃત્યુઆંક 32 છે. જોકે, ઘાયલોની સંખ્યાનું ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી. આ કારણે ઘાયલોની સંખ્યા વધી રહી છે. રાહત કાર્ય માટે નેપાળ આર્મીનું હેલિકોપ્ટર સુરખેતથી રવાના કરવામાં આવ્યું છે. મુગુ કાઠમંડુથી 650 કિમી ઉત્તર-પશ્ચિમ સ્થિત રારા તળાવ માટે પ્રખ્યાત છે. તેના કારણે પ્રવાસીઓ પણ અહીં પહોંચી રહ્યા છે.
નેપાળગંજ એરપોર્ટ સિક્યોરિટી ગાર્ડના ઇન્ચાર્જ સંતોષ શાહે જણાવ્યું કે 10 લોકોને માથામાં ગંભીર ઇજાઓ થઇ છે. આ લોકોને કોહલપુર મેડિકલ કોલેજ અને અન્ય પાંચ લોકોને સારવાર માટે નેપાળગંજના નર્સિંગ હોમમાં મોકલવામાં આવ્યા છે. આ અગાઉ, સોમવારે, નેપાળના કાસ્કી જિલ્લામાં એક ઉંચા ટ્રેકિંગ સ્પોટ પરથી એક જીપ 100 મીટર નીચે ખાબકી હતી જેમા આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, આ દૂર્ઘટના ત્યાર ઘટી જ્યારે ગાડી રાજધાની કાઠમંડુથી 200 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત પોખરા શહેરથી ધાંડ્ડુક સુધી પોતાની 40 કિલોમીટર લાંબી મુસાફરી પૂર્ણ કરવા જઇ રહી હતી, ત્યારે ચાલક કાલાભીર વિસ્તારમાં કાબૂ ગુમાવી બેઠો અને ગાડી ટેકરી પરથી 100 મીટર નીચે ખાબકી. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત આઠ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં, જ્યારે એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી, જેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.