બટલરના વિસ્ફોટક ૧૬૨* : ઈંગ્લેન્ડનો નેધરલેન્ડ સામે ૪૯૮ના સ્કોર સાથે વન ડેમાં વર્લ્ડ રેકોર્ડ

June 18, 2022

એમ્સ્ટેલવીન: જોશ બટલર ૧૪ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે માત્ર ૭૦ બોલમાં જ અણનમ ૧૬૨ રનની સાથે સોલ્ટ-મલાનની સદી તેમજ લિવિંગસ્ટનના ૨૨ બોલમાં ૬૬ રનની મદદથી ઈંગ્લેન્ડે નેધરલેન્ડ સામેની પ્રથમ વન ડેમાં ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૪૯૮ રન નોંધાવતા નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. ઈંગ્લેન્ડની વિસ્ફોટક બેટિંગથી વન ડેના ઈતિહાસનો સર્વોચ્ચ અને લિસ્ટ-એ મેચમાં પણ હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ સર્જાયો હતો. બટલરે માત્ર ૪૭ બોલમાં સદી પૂર્ણ કરી હતી અને ૧૫૦ રન સુધી પહોંચવા ૬૫ બોલ લીધા હતા. જ્યારે લિવિંગસ્ટને ૧૭ બોલમાં અડધી સદી ફટકારીને ઈંગ્લેન્ડના ક્રિકેટમાં નવો રેકોર્ડ સર્જ્યો હતો. ઈંગ્લેન્ડે નોંધાવેલા ૪૯૮ રનના સ્કોરમાં ૧૫૬ રન સિક્સરથી અને ૧૪૪ રન ચોગ્ગાથી નોંધાયા હતા. આમ કુલ મળીને ૩૦૦ રન તો તેમણે બાઉન્ડ્રીની મદદથી નોંધાવ્યા હતા. બટલરે ફાસ્ટેસ્ટ ૧૫૦ રનના રેકોર્ડમાં બીજું સ્થાન હાંસલ કર્યું હતુ. તે આ વર્લ્ડ રેકોર્ડની બરોબરી એક બોલથી ચૂકી ગયો હતો, જે ડિ વિલિયર્સના નામે હતો. જ્યારે લિવિંગસ્ટન વન ડેમાં ફાસ્ટેસ્ટ અડધી સદીમાં બીજા સ્થાને રહ્યો હતો. તે રેકોર્ડ પણ ડિ વિલિયર્સના નામે છે. તેણે ૧૬ બોલમાં અડધી સદી નોંધાવી હતી. જ્યારે લિવિંગસ્ટને ૧૭ બોલ લીધા હતા. નેધરલેન્ડની ટીમ ૨૬૬ રનમાં જ ખખડી જતાં ઈંગ્લેન્ડનો ૨૩૨ રનથી વિજય થયો હતો.