2050 સુધીમાં 4 લોકોમાંથી એકને હશે આ ગંભીર બિમારી : WHO

March 02, 2021

2050 સુધીમાં વિશ્વની કુલ વસ્તીના દરેક ચારમાંથી એક વ્યક્તિને સાંભળવાની સમસ્યા(Hearing Problems) થઈ શકે છે. જેનો અર્થ એ કે તેમની શ્રવણ ક્ષમતા ઓછી થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ મંગળવારે આ ચેતવણી આપી છે. WHOએ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે નિવારણ અને સારવારમાં વધુ રોકાણ માટે હાકલ પણ કરી છે. સાંભળવાની સમસ્યાઓ અંગેનો વિશ્વનો આ પહેલો અહેવાલ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ સમસ્યાઓના અનેક કારણોને રોકી શકાય છે. જેમાં ચેપ, રોગ, જન્મ સમયે સમસ્યાઓ, ઘોંઘાટ અને જીવનશૈલીની પસંદગીનો સમાવેશ થાય છે.

રિપોર્ટમાં સાંભળવાની સમસ્યાઓને રોકવા માટે એક પેકેજની દરખાસ્ત કરવામાં આવી છે, જે હેઠળ વ્યક્તિ દીઠ દર વર્ષે 1.33 ડોલરનો ખર્ચ આવશે. વિશ્વમાં દર વર્ષે લગભગ એક ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે, કારણ કે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું નથી. WHOના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “સમસ્યાનો સામનો કરવા માટેના પગલા લેવામાં નિષ્ફળ થવાના પરિણામો અસરગ્રસ્ત લોકોના સ્વાસ્થ્ય અને ખુશી પર અસર કરશે. આ ઉપરાંત તેઓને શિક્ષણ અને નોકરીથી દૂર થવાથી આર્થિક નુકસાન થવાનો ભય પણ ઉભો થઈ શકે છે.