અમદાવાદમાં કોર્પોરેટરો અને NGO વેક્સિનેશન માટે મેદાનમાં, દરેક વોર્ડમાં આવેલી ફ્લેટ-સોસાયટીમાં કેમ્પો શરૂ કરાયા

April 07, 2021

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે લોકોને વેક્સિનેશન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને દરેક સોસાયટી અને ફ્લેટમાં જ્યાં 100થી વધુ લોકો વેક્સિન લેવા તૈયાર હોય ત્યાં AMC દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અમદાવાદમાં દરરોજ આ રીતે અલગ અલગ વિસ્તારમાં વેક્સિનેશન કેમ્પો શરૂ થયા છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા ઓમ ટાવર અને નિકોલ વિસ્તારમાં આવેલા એરિસ હાઇટ્સ ફ્લેટમાં વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. બંને ફ્લેટમાં 20 જેટલા લોકોએ વેક્સિન લીધી હતી. સરકાર અને કોર્પોરેશન ઝડપથી લોકોને વેક્સિન આપવા આવે એવી વ્યવસ્થા ગોઠવી રહ્યાં છે, જેના માટે દરેક વોર્ડમાં સ્થાનિક ભાજપના કોર્પોરેટરો- કાર્યકર્તાઓને જવાબદારી આપવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ કમ્યુનિટી હોલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિનેશન માટે વ્યવસ્થા કરી છે. ઉપરાંત જે સોસાયટી અને ફ્લેટમાં 100 જેટલા લોકો 45 વર્ષથી વધુની વયના હોય તેમને વેક્સિન આપવા ફ્લેટમાં જ વ્યવસ્થા કરી આપવામાં આવે છે, જેને લઈ નિકોલ વિસ્તારમાં આવેલા એરિસ હાઇટ્સ ફ્લેટમાં સેવ હ્યુમિનિટી NGOની મદદથી વેક્સિનેશન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. NGOના પ્રેસિડેન્ટ પૂનમ પાંચણીએ જણાવ્યું હતું કે ફ્લેટમાં 140 જેટલા લોકોએ રસી લીધી હતી. વેક્સિનેશન માત્ર સરકારની જવાબદારી નથી. અલગ-અલગ કેમ્પ કરી વેક્સિનેશન કરી શકાય છે જેના માટે AMCને 100થી વધુ લોકોનું લિસ્ટ આપવાનું રહે છે. વધુ લોકો વેક્સિન લે અને જાગ્રત બને તેના માટે આ રીતે કેમ્પ યોજવામાં આવ્યો હતો.