કેનેડા ફિફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાયું

November 28, 2022

દોહા : ક્રોએશિયાએ આગેકૂચની આશા જીવંત રાખતાં 4-1થી કેનેડા સામે વિજય મેળવ્યો હતો. આ સાથે સતત બીજી હાર સાથે કેનેડા  કતાર ફિફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાયું હતુ. ક્રોએશિયા તરફથી ક્રેમારિકે બે અને લિવાજા અને માજેરે એક-એક ગોલ નોંધાવ્યા હતા.  કેનેડાનો અગાઉ બેલ્જીયમ સામે 0-1થી પરાજય થયો હતો.  જ્યારે ક્રોએશિયાનો આ પ્રથમ વિજય હતો. અગાઉ ક્રોએશિયા અને મોરક્કોની મેચ 0-0થી ડ્રો થઈ હતી. 

કેનેડાએ આક્રમક શરુઆક કરતાં બીજી જ મિનિટે એલ્ફોન્સો ડેવિસના ગોલને સહારે સરસાઈ મેળવી લીધી હતી. આમ છતાં ક્રોએશિયાએ અનુભવ સાથે પુનરાગમન કરતાં ક્રેમારિકના ગોલને સહારે બરોબરી મેળવી હતી. હાફ ટાઈમના બ્રેક અગાઉ જ માર્કો લિવાજાએ ગોલ ફટકારતાં ક્રોએશિયાને 2-1થી સરસાઈ અપાવી હતી. 

ગત વર્લ્ડકપની રનર્સઅપ ટીમે ત્યાર બાદ બીજા હાફમાં બે ગોલ ફટકાર્યા હતા. કેમારિકે બીજા હાફમાં ગોલ નોંધાવતા ક્રોએશિયાને 3-1થી લીડ અપાવી હતી. આખરે સ્ટોપેજ ટાઈમમાં માજેરે ટીમ તરફથી ચોથો ગોલ નોંધાવ્યો હતો. આ સાથે કેનેડાનું વર્લ્ડકપ ડ્રીમ સમાપ્ત થઈ ગયું હતુ.