કેનેડા : પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતીના અવસરે નાયગ્રા ફોલ્સ લાઈટોથી પ્રકાશિત કરાયા

December 12, 2022

કેનેડા : 7 ડિસેમ્બરના રોજ પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતીના અવસરે ભારત સહિત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત કેનેડા અને અમેરિકામાં આવેલ નાયગ્રા ધોધને સફેદ અને કેસરી રંગની લાઈટોથી પ્રકાશિત કરી નાયગ્રા પાર્કસ કમિશન અને નાયગ્રા ફોલ્સ એલ્યુમિનેશન બોર્ડ દ્વારા પ્રમુખસ્વામી મહારાજને બીએપીએસના સ્વામી અને સ્વયંસેવકો સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

માત્ર ભારતમાં જ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયને અનુસરતા લોકો અનેક દેશોમાં વસે છે. જેથી અનેક દેશોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો સ્થપાયા છે. પ્રમુખસ્વામી મહારાજ પહેલી વખત ૧૯૭૪ના વર્ષમાં કેનેડા આવ્યા હતા.  કેનેડાના ટોરાન્ટોમાં સ્થિત સ્વામિનારાયણ મંદિરની સ્થાપના તેમના દ્વારા કરવામાં આવી હતી. વર્ષ ૧૯૮૮માં તેમનું કેનેડાની સંસદમાં સન્માન કરવામાં આવ્યું હતું. આમ કુલ તેમને ૧૩ વખત કેનેડાની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે ૨૦૧૭માં તેમની અસ્થિઓનું વિસર્જન નાયગ્રા ધોધમાં કરવામાં આવ્યું હતું. સાથે જ નાયગ્રા પાર્કસ્ કમિશન ખાતે તેમની યાદમાં સ્મારક વૃક્ષ રોપવામાં આવ્યું હતું. 

આમ કેનેડાના લોકો સાથે પહેલેથી જ પ્રમુખસ્વામી મહારાજ સંકળાયેલા હોય તેવું ત્યાંના લોકો અનુભવે છે. જેથી તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમની ૧૦૦મી  જન્મજયંતી પર નાયગ્રા ધોધને સફેદ અને કેસરી લાઈટોથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમજ બીએપીએસ સંસ્થાને દર્શાવવા ધોધને સફેદ અને લાલ રંગની લાઈટોથી ઉજ્વલિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીએપીએસના સ્વામી અને સ્વયંસેવકોએ આરતી કરી હતી અને નાયગ્રા ધોધ જોવા આવતા સહેલાણીઓની સુખાકારી તેમજ કેનેડાના લોકોની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સેંકડો ભક્તો આ ઉજવણીમાં હાજર રહ્યા હતા તેમજ હજારો ભક્તો લાઈવ ટેલીકાસ્ટના માધ્યમથી આ ઉજવણીમાં જોડાયા હતા.