અમેરિકા બાદ હવે કેનેડાએ પણ યુક્રેનના પેસેન્જર વિમાનના અકસ્માતમાં ઇરાનનો હાથ હોવાની વાત કહી

January 11, 2020

ટોરેન્ટો : અમેરિકા બાદ હવે કેનેડાએ પણ યુક્રેનના પેસેન્જર વિમાનના અકસ્માતમાં ઇરાનનો હાથ હોવાની વાત કહી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે કેટલાંય ગુપ્તચર સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઇરાનના મિસાઇલ એટેકથી જ યુક્રેનનું વિમાન ક્રેશ થયું છે. તેમણે એમ પણ કહ્યું કે આ ઇરાન દ્વારા ‘અજાણતા થયેલી ભૂલ’ હોવાનું માલૂમ પડી રહ્યું છે. આપને જણાવી દઇએ કે તહેરાન નજીક બુધવારના રોજ થયેલા વિમાન અકસ્માતમાં 176 લોકોના મોત થયા હતા. તેમાં કેનેડાના 63 નાગરિક માર્યા ગયા હતા. બીજીબાજુ ઇરાને વિમાન પર મિસાઇલ એટેક થયાના દાવાને નકારી દેતા કેનેડાને ઇન્ટેલિજન્સ રિપોર્ટ શેર કરવાનું કહ્યું છે.

કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ટોરેન્ટોમાં નિવેદન રજૂ કરીને કહ્યું કે મને કેટલાંય સૂત્રો પાસેથી ગુપ્ત માહિતી મળી છે અને તમામ પુરાવા એના પર ઇશારો કરે છે કે યુક્રેનનું પેસેન્જર વિમાન ઇરાની મિસાઇલ દ્વારા જ તોડી પડાયું છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં તહેરાનની પાસે યુક્રેનનું જેટ વિમાન આકાશમાં ઉડાડતું દેખાય છે. આ દરમ્યાન તેની સાથે કોઇ વસ્તુ આવીને ટકરાઇ અને વિમાનમાં એક નાનકડો બ્લાસ્ટ થયો.