કેનેડાના PM યુક્રેન પહોંચ્યા :રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળવા કીવ પહોંચ્યા જસ્ટિન ટ્રૂડો, કહ્યું- પુતિન યુદ્ધ અપરાધના સૌથી નીચા સ્તરે આવી ગયા છે

May 09, 2022

કિવ : યુક્રેન યુદ્ધ વચ્ચે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગત રોજ અચાનક યુક્રેનની મુલાકાત લીધી અને રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ રાજધાની કિવમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. ટ્રુડોએ કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સૌથી નીચલા સ્તરના યુદ્ધ અપરાધો માટે જવાબદાર છે. તેની જવાબદેહી નિશ્ચિત હોવી જોઈએ. સામેથી રશિયન હુમલાની ક્રૂરતા મેં પહેલીવાર જોઈ છે.

આ અગાઉ જસ્ટિન ટ્રુડોએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે હું ક્રિસ્ટિયા ફ્રિલેન્ડ (કેનેડાના નાયબ વડાપ્રધાન) અને મેલાની ઝોલિયૂ (કેનેડાના વિદેશમંત્રી) સાથે યુક્રેનમાં છું. અમે અહીં યુક્રેન અને તેમના લોકો પ્રતિ અમારુ સમર્થન જાહેર કરવા આવ્યા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી માટે અમારો સંદેશ છે કે કેનેડા હંમેશા યુક્રેન સાથે ઉભું છે.

કેનેડાના વડાપ્રધાને યુક્રેન યુદ્ધને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે વાત પણ કરી હતી. આ સિવાય ટ્રુડોએ ઈરપિન શહેરની મુલાકાત પણ કરી હતી. આ શહેર રશિયન હુમલામાં ખરાબ રીતે બરબાદ થઈ ચૂક્યું છે. ઈરપિનના મેયર ઓલેક્ઝેડર માર્કુશિને કહ્યું કે PM ટ્રુડો એ જોવા આવ્યા હતા કે કેવી રીતે રશિયન સૈનિકોએ અમારા શહેરમાં તબાહી મચાવી છે.

રાજધાની કીવમાં રશિયન હુમલા ઓછા થયા બાદ વિદેશી નેતાઓની મુલાકાતનો સિલસિલો યથાવત છે. કેનેડાઈ PM પહેલા ક્રોએશિયાના પ્રધાનમંત્રી લેડી પ્લેંકોવિક અને જર્મન સંસદના પ્રેસિડન્ટ બારબેલ બેસે પણ કીવ પહોંચીને ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી.

ક્રોએશિયન પીએમને મળ્યા બાદ ઝેલેન્સકીએ કહ્યું- યુક્રેન અને ક્રોએશિયા એક જ ભાષા બોલે છે. અમે રશિયા પર પ્રતિબંધોનું દબાણ વધારવા અને હુમલાથી નાશ પામેલા શહેરોમાં સામાન્ય જીવનને પુનઃસ્થાપિત કરવા અંગે ચર્ચા કરી. યુરોપિયન યુનિયનમાં યુક્રેનના પ્રવેશ અંગે પણ વાત કરી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની પત્ની જીલ બિડેન રવિવારે અચાનક યુક્રેન આવી પહોંચ્યા હતા. અહીં તેઓ યુક્રેનની પ્રથમ મહિલા ઓલેના ઝેલેન્સ્કાને મળ્યા હતા. 'ન્યૂયોર્ક ટાઈમ્સ' અનુસાર, ઝેલેન્સ્કા અને જીલ ઉઝહોરોડ શહેરમાં મળ્યા હતા. ફેબ્રુઆરીમાં રશિયન હુમલા બાદ ઝેલેન્સ્કા પ્રથમ વખત દેખાયા છે. તેમણે કહ્યું- અમે જાણીએ છીએ કે અમેરિકાની પ્રથમ મહિલાનું અહીં હોવું આપણા દેશ માટે કેટલું મહત્વપૂર્ણ છે.