કેનેડા વર્લ્ડવાઈડ નેશન બ્રાન્ડમાં ત્રીજા સ્થાને પહોંચ્યું, અમેરિકા ૧૦મા ક્રમે

November 05, 2020

  • નેશન બ્રાન્ડ ઈન્ડેક્ષમાં વિશ્વના ટોચના પ૦ દેશોને જુદા જુદા ધોરણો બદલ રેન્કીંગ આપવામાં આવ્યું
ટોરોન્ટો : કેનેડીયનો માટે આનંદ અને ગૌરવ લેવા જેવા સમાચાર છે. વિશ્વના પ૦ દેશોના થતાં રેંકીંગ 'નેશન બ્રાન્ડ'માં કેનેડાએ જર્મની અને યુ.કે. બાદનો એટલે કે ત્રીજો ક્રમ મેળવ્યો છે.નેશન બ્રાન્ડ ઈન્ડેક્ષમાં વિશ્વના ટોચના પ૦ દેશોને જુદા જુદા ધોરણો બદલ રેન્કીંગ આપવામાં આવે છે. ઈપ્સોસ સરવે આ કામ સંભાળે છે. વિશ્વના ર૦ દેશોના અંદાજે ર૦૦૦૦૦થી વધુ લોકો સાથે વાતચીત કરીને તારણ કાઢવામાં આવે છે. જેમાં કુલ છ કેટેગરી છે. લોકો, વહીવટ, સંસ્કૃતિ, પ્રવાસન, એક્ષપોર્ટસ અને ઈમિગ્રેશન. કેનેડાને ત્રણ કેટેગરીમાં પહેલું સ્થાન મળ્યું હતું. જેમાં લોકો, વહીવટ અને ઈમિગ્રેશન/ઈન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે. 

સરવેના એક લેખક સાઈમન એન્હોલ્ટે કહયું હતું કે, આ વર્ષે કેનેડાની મજબૂત બાજુ લોકો અને વહીવટની કેટેગરીમાં હતી. જેમાં સારા પ્રતિભાવો મળ્યા હતા. કેનેડાના લોકો ઘણાં મળતાવડા છે અને વિશ્વભરમાં સૌથી વધુ પસંદ કરાય છે. ઓસ્ટ્રેલિયા અને ઈટાલી આ બાબતમાં બીજા અને ત્રીજા ક્રમે છે. કલ્ચર અને એક્ષપોર્ટસમાં કેનેડા થોડું નબળુ રહ્યુંં છે. જર્મનીએ પહેલું સ્થાન સતત બીજા વર્ષે જાળવી રાખ્યું છે. બધી કેટેગરીમાં એ આગળ રહ્યુંં છે. બીજા સ્થાને યુકે આવ્યું છે જયાં ગયા વર્ષે ફ્રાન્સ હતું એ આ વર્ષે પાંચમા સ્થાને જતું રહ્યુંં છે. આશ્ચર્યની વાત એ છે કે અમેરિકા આ સરવેમાં ૧૦મા સ્થાને છે.