સંપૂર્ણ રસીકરણ કરાવનારા માટે કેનેડા-યુ.એસ. નવેમ્બરમાં સરહદો ખુલ્લી મુકે તેવી સંભાવના

October 16, 2021

  • રસીના મિશ્રિત ડોઝ લીધા હોય તેને પ્રવેશ આપવા બાબતે હજી અવઢવ, હજારો કેનેડિયન પ્રવાસીઓને લાભની આશા
ટોરોન્ટો : અમેરિકા દરિયાઈ અને જમીન સરહદો સામાન્ય પ્રવાસીઓ માટે નવેમ્બર મહિનાથી ખુલ્લી મુકે તેવી પુરેપુરી શક્યતા છે. કોવિડ-19ની મહામારીને કારણે ઘણા લાંબા સમયથી બંને દેશો વચ્ચેની સરહદો બંધ રહી હતી. વ્હાઇટ હાઉસે મંગળવારે રાત્રે સંપૂર્ણ રસીકરણ કરાવનાર કેનેડા અને મેક્સિકોના સામાન્ય પ્રવાસીઓ માટે જમીન અને સમુદ્રી સરહદો ખુલ્લી મુકશે એવા અહેવાલને સમર્થન આપ્યું હતું. જો કે, અધિકારીઓએ વેક્સીન બાબતે કોઈ ખુલાસો કર્યો નહોતો. રસીના મિશ્રિત ડોઝ લીધા હોય તે લોકોને પ્રવેશ આપવામાં આવશે કે કેમ એ બાબતે સ્પષ્ટતા કરી નહોતી. મીડિયાકર્મીઓએ વ્હાઇટ હાઉસના અધિકારીઓને પૂછ્યું હતું કે, કોવિડ-19 માટેની એસ્ટ્રા જેનેકા કે જેના ઉપયોગને અમેરિકાએ માન્યતા આપી નથી તેવા પ્રવાસીઓને પણ સરહદ ખુલવાનો લાભ મળશે કે કેમ ? જો કે, યુ.એસ. સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન આ માટે માર્ગદર્શિકા ઘડી કાઢવા માટે કામ કરી રહ્યું છે. પરંતુ આ બાબત પર કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નહોતો. પ્રશ્ન એ થાય છે કે, શું જુદી-જુદી વેક્સિનના ડોઝ લીધેલા લોકોને પ્રવેશ આપવામાં આવશે કે કેમ? માર્ચ 2020થી અમેરિકાની સરહદો પરથી બિનજરૂરી પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. 
આ સમયે પહેલી વખત કોરોના વાઇરસનો ફેલાવો શરુ થયો હતો. બંને દેશના પ્રવાસીઓમાં સરહદો ઉપરથી પ્રવાસીઓના આવાગમન ઉપર પ્રતિબંધ શા માટે મુકવામાં આવ્યો હતો તે ગરમાગરમ ચર્ચાનો વિષય બન્યો હતો. કારણ કે, આ પ્રતિબંધને કારણે બંને દેશના પ્રવાસન ઉદ્યોગોને ભારે નુકશાન થયું હતું. વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવા અમેરિકન હવે સામાન્ય કારણસર પણ ઓગસ્ટ 9થી કેનેડામાં આવી રહ્યા છે. ન્યુયોર્કના કોંગ્રેસમેન બ્રાઇન હિગિન્સે એક પત્રકાર યાદીમાં જણાવ્યું હતું કે, લાંબી મથામણ બાદ યુનાઇટેડ સ્ટેટ્સ સરહદના દરવાજા ખુલ્લા મૂકે છે તે આવકારને પાત્ર છે અને પાડોશી કેનેડીયનોને અમે આવકાર આપીએ છીએ. મહિનાઓ સુધી સરહદો બંધ રહેતા ધંધા ઉદ્યોગો અને અનેક પરિવારોને આર્થિક અને માનસિક નુકશાન વેઠવું પડ્યું છે.  સલામતીના કારણોસર લેવાયેલા આ પગલાં બંને દેશના સરહદ પારના પરિવારો અને વેપાર-ઉદ્યોગને ભારે સંકટ પછી જે આ રાહત મળી છે. અમેરિકામાં આવનારા લોકોને કેટલીક શરતો સાથે પ્રવેશની છૂટ આપવામાં આવી છે. તેમાં કોરોનાની રસી મુકાવી હોવાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહશે અને પ્રવાસી 90 દિવસ પહેલા આ રોગમાંથી મુક્ત થયો છે તેવો પુરાવો રજુ કરવાનો રહેશે. અમેરિકાએ સપ્ટેમ્બર મહિનામાં રસી મુકાવી લીધી હોય તેવા પ્રવાસીઓને અમેરિકામાં પ્રવેશ આપવાની છૂટ આપી હતી અને હવે જાહેરાત કરી છે કે નવેમ્બરની શરૂઆતથી વિદેશી પ્રવાસીઓને અમેરિકામાં આવવાની મંજૂરી આપવામાં આવશે. જોકે હજુ આ યોજનામાં સ્પષ્ટતાની જરૂરત છે. અમેરિકાએ સરહદ પણ નિયંત્રણો દૂર કરવા માટે ટાઇટલ-19 કે જે સરહદ પરના આવાગમન પર પ્રતિબંધ મૂકે છે તેમાં સુધારા કરવા પડશે. સરહદ પરથી ઉઠાવી લેવામાં આવનારા પ્રતિબંધોની જાહેરાતનો હજારો કેનેડિયન સ્નો-બર્ડસ તરફથી આવકાર આપવામાં આવ્યો છે. કારણ કે તેઓને એવી ચિંતા સતાવી રહી હતી કે, શિયાળાની આ બીજી મોસમમાં પણ ઘરમાં ગોંધાઈ રહેવું પડશે.