બે ખાલિસ્તાની સમર્થકોને કેનેડાની કોર્ટે ઝટકો માર્યો : નો-ફલાઇંગ લિસ્ટમાંથી નામ દૂર ન કર્યાં

June 22, 2024

ઓટાવા : પોતાના નામ 'નો-ફ્લાઇંગ લિસ્ટ'માંથી દૂર કરવા માટે બે ખાલિસ્તાની સમર્થકોની અરજી આજે કેનેડાની કોર્ટે ફગાવી દીધી હતી. ૨૦૧૮માં આ બંનેને આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા. કેનેડીયન પ્રેસના રિપોર્ટ પ્રમાણે ભગત સિંહ બરાડ અને પર્વકર સિંહ દુલાઈની અરજી હતી કે 'સિક્યોર એર ટ્રાવેલ એક્ટ' નીચે તેઓના નામ છે, તે દૂર કરવામાં આવે અને તેમને વિમાન પ્રવાસ કરવાની મંજૂરી મળે. પરંતુ કોર્ટે તેમની ઇચ્છા ઉપર પાણી ફેરવી નાખ્યું.
કોર્ટે કહ્યું સરકારન તે વાત અંગે પૂરેપૂરો આધાર છે, તેઓ કોઈ આતંકી ઘટના કરવા માટે જ હવાઈ મુસાફરી કરવાના છે.

ભગત સિંહ બરાડ લખબીરસિંહનો પુત્ર છે. તે ઇન્ટરનેશનલ શિખ યુથ ફેડરેશનનો પ્રમુખ પણ છે. આ સંગઠન કેનેડામાં પ્રતિબંધિત કરાયું છે. કટ્ટરપંથી નેતા જસૈલ સિંહ ભિંદ્રાનવાલેના ભત્રીજા લખબીર સિંહનું ગત વર્ષે પાકિસ્તાનમાં મૃત્યુ થયું હતું. ભિંદ્રાનવાલેનું મૃત્યુ ૧૯૮૪માં ભારતીય સેનાએે હાથ ધરેલા ઓપરેશન બ્લ્યુ સ્ટાર દરમિયાન અમૃતસરના સ્વર્ણ મંદિરમાં થયું હતું.

બરાડને ૨૪ એપ્રિલ ૨૦૧૮ના દિવસે વાનકુવર આંતરરાષ્ટ્રીય વિમાન ગૃહે વિમાનમાં જતા રોકવામાં આવ્યો હતો. ૧૭મી મે ના દિવસે દુલાઈને પણ વિમાન ગૃહેથી આંતરરાષ્ટ્રીય ફલાઈટમાં જતા રોકવામાં આવ્યો હતો.

ગ્લોબલ ન્યૂઝે જુલાઈ ૨૦૨૦માં પોતાના એક રિપોર્ટમાં કેનેડાની સલામતી એજન્સીઓના દસ્તાવેજોનો હવાલો આપતા જણાવ્યું છે કે, બરાડ પાકિસ્તાનની ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ)ની સાથે રહી, ભારતમાં હુમલા કરવાની યોજના બનાવી રહ્યો હતો.

આ દસ્તાવેજોમાં તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે, બ્રિટિશ કોલંબિયાનાં સરેમાં રહેતા દુલાઇ ઉપર આતંકી હુમલાનો સૂત્રધાર હોવાની પણ શંકા હતી.