કેનેડાના હાઉસિંગ સેકટરમાં ર૦ર૧માં ભારે ફેરાફારના એંધાણ

January 13, 2021

મંદી અને તેજીની બાબતોમાં નિષ્ણાંતો વચ્ચે મતમતાંતરો, મકાનના ભાવમાં ઘટાડો પણ સંભવ

ઓન્ટેરિયો : આ વર્ષ અર્થતંત્ર અને ખાસ કરીને હાઉસિંગ માર્કેટ માટે આગાહીઓ કરવા માટેનું સૌથી કપરૂં વર્ષ હતું. છેલ્લા દાયકાઓના સૌથી મોટા સ્લો ડાઉનની વચ્ચે મકાનોની વેચાણ કિંમતમાં જે વધારો કેનેડાના શહેરોમાં ર૦ર૦માં જોવા મળ્યો છે એ બીજા દેશો જેવો જ છે. કેનેડામાં સરેરાશ મકાનની કિંમતમાં અંદાજે ૧૩.૮ ટકાનો વધારો જોવા મળ્યો છે જે અમેરીકામાં અંદાજે ૧૪.૬ ટકા જેટલો છે. આ વર્ષના અંતે આવનારા કેનેડાના હાઉસિંગ માર્કેટ વિશેના વર્તારામાં ભાવ વધારામાં ઝડપ અને હાઉસિંગ સેકટરમાં વધુ માંગની આગાહી જોવા મળે તો કોઈ નવાઈ નથી. જો કે બજારમાં મંદીની આશંકા પણ જોવા મળી રહી છે. જો કે એને કોઈ સ્વીકારી શકતું નથી. આમ જોવા જઈએ તો વર્તારો કરનારા બે અલગ અલગ ફાંટા જોવા મળે છે. એક વર્ગ એવું માને છે કે હાઉસિંગ માર્કેટમાં જોવા મળતી તેજી આવનારા વર્ષમાં કાયમ રહેશે. કેમ કે, મોર્ગેજ રેટમાં થયેલા ઘટાડાને કારણે વધુ લોકો મકાન ખરીદવા તૈયાર થશે. જો સરકાર એ લાભ અધવચ્ચે અટકાવી દેશે તો લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જો કે, રિયલ એસ્ટેટના કેટલાક જુથો મકાનોની કિંમતમાં ૯.૧ ટકાનો ઉછાળો વર્ષ ર૦ર૧માં જોઈ રહ્યાં છે. 
ઓન્ટેરિયોમાં તો ૧૬.૩ ટકા અને કયૂબેકમાં ૧૩.૬ ટકાનો ઉછાળો હોવાની શકયતા પણ જોઈ રહ્યાં છે. ડિસેમ્બરના મધ્યમાં પ્રકાશિત અહેવાલમાં સીઆરઈએ એ જણાવ્યું હતું કે, અત્યારના વર્તારા મુજબ માર્કેટની તેજી આવનારા વર્ષમાં પણ જળવાઈ રહેશે અને બધા પ્રાંતોમાં વધતા ઓછા અંશે તેજી જ જોવા મળશે. વળી, સરકારે મોર્ગેજ રેટમાં ઘટાડો કરીને હાઉસિંગ સેકટરમાં નવી ડિમાન્ડ ઉભી કરવાનો પ્રયાસ પણ કર્યો છે. નિષ્ણાંતોના મતે આવી સ્થિતિ ૧૯૪૬ બાદ પહેલીવાર ઉભી થઈ છે. જેમાં મકાનોની કિંમતમાં ભારે ઘટાડો થવાની આશંકા વ્યકત કરાઈ છે. કોવિડ -૧૯ મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર થયેલી અસરને કારણે કેનેડાના આ સેકટર પર એની અસર પડી શકે છે.