કેનેડાના ટેમ્પરરી રેસીડેન્ટસને સ્ટેટસ જાળવી રાખવા વધારાનો સમય ફાળવાયો

January 13, 2021

  • ૩૦મી જાન્યુઆરી, ર૦ર૧ કે ત્યારબાદ મુદત પૂર્ણ થતી હોય તેવા નાગરિકો ૩૧મી ઓગષ્ટ સુધી અરજી કરી શકશે

ઓન્ટેરિયો : કેનેડિયન ઈમિગ્રેશન વિભાગે ટેમ્પરરી રેસીડેન્ટસને વધુ સમય કેનેડામાં રહેવાની છૂટ આપી છે. નવા નિર્ણય મુજબ જે ટેમ્પરરી રેસીડેન્ટસની મુદત ૩૦મી જાન્યુઆરી, ર૦ર૧ કે ત્યારબાદ પૂર્ણ થતી હોય તેમને પોતાનું સ્ટેટસ જાળવી રાખવાની અરજી કરવાની મુદત ૩૧મી ઓગસ્ટ, ર૦ર૧ સુધી લંબાવી આપવામાં આવી હોવાનું કેનેડિયન સરકારની વેબસાઈટ ઉપર જણાવવામાં આવ્યું છે. 
આ જાહેરાત ૧૪મી જુલાઈએ જાહેર કરાયેલી પોલીસી અંતર્ગત છે. જેમાં એ મુદત ૩૧મી ડિસેમ્બર, ર૦ર૦ સુધીની હતી. જેને લંબાવવામાં આવી છે. જેની અસર એવા કામદારો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને થશે. જે તેમનું સ્ટેટસ પુરૂં થાય એ સમયે કેનેડામાં હતા. સામાન્ય રીતે તેમણે ૯૦ દિવસમાં પોતાનું ટેમ્પરરીનું સ્ટેટસ જાળવી રાખવા અરજી કરવાની હોય છે. પરંતુ કોરોના મહામારીને કારણે બધી સેવાઓ ખોરવાઈ ગઈ હોવાથી અસરગ્રસ્ત લોકો તેમની અરજી પણ આપી શકયા નહોતા. હવે તેમને ઓગસ્ટ સુધી અરજી કરવાની છૂટ કેટલીક શરતોને આધિન રહીને આપવામાં આવી છે. 
નવી પોલીસી મુજબ એવા લોકો જેઓ ૩૦મી જાનયુઆરી ર૦ર૦થી ૩૧મી મે ર૦ર૧ સુધીનું માન્ય સ્ટેટસ ધરાવતા હોય અને આવ્યા ત્યારથી કેનેડામાં જ રહ્યાં હોય અને તેમનું સ્ટેટસ ગુમાવી ચુકયા હોય, તેમણે એપ્લીકેશનની સાથે પ્રોસેસીંગ ફી પણ ચુકવવી પડશે. જો તે આમ કરશે તો જ તેમનું ટેમ્પરરી રેસીડેન્ટનું સ્ટેટસ મેળવી શકશે. આ નવી પોલીસી મુજબ વર્ક પરમીટ ધરાવનારાઓ જેમની પાસે જોબ ઓફર હોય અને એમની અરજી પ્રોસેસીંગમાં હોય તેમને સ્ટેટસ કે વર્ક પરમીટ મળે ત્યાં સુધી નોકરી શરૂ કરી દેવાની છૂટ પણ અપાઈ છે. જે વિદેશીએ નોકરીદાતાની વિગતો સાથેની અરજી કરી હોય અને તમામ ફી ભરી દીધી હોય તેઓ જ આ છૂટનો લાભ મેળવી શકશે.