કેનેડિયન PM જસ્ટિન ટ્રુડોએ આખરે મોદીને ફોન કરીને વેક્સિન માગી

February 11, 2021

દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સમકક્ષ કેનેડાના જસ્ટિન ટ્રુડો વચ્ચે આજે ટેલિફોન પર વાતચીત થઈ હતી. આ વાતચીત દરમિયાન કેનેડાએ કોરોના વેક્સિનની ભારત પાસે માંગ કરી છે. ચીન, અમેરિકા તથા યુરોપના દેશો પાસેથી વેક્સિન નહીં મળતા છેવટે કેનેડા ભારત પાસેથી વેક્સિનની આશા રાખી રહ્યું છે. કેનેડાના પ્રધાનમંત્રી સાથે વાતચીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપતા જણાવ્યું હતું કે મારા મિત્ર જસ્ટિન ટ્રુડો તરફથી કોલ મળ્યો જે બદલ ખુશી થઈ છે. કેનેડા તરફથી માંગવામાં આવેલ કોવિડ વેક્સિનને ધ્યાનમાં રાખી ભારત શક્ય તમામ મદદ કરશે. PM મોદીએ જણાવ્યું કે અમે ક્લાઈમેન્ટ ચેન્જ તથા વૈશ્વિક અર્થતંત્રમાં સુધારા જેવા મહત્ત્વના મુદ્દે સહકારને આગળ વધારવા માટે સહમત થયા છીએ અને આ મુદ્દે વાતચીત કરી હતી.

કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડો ખાલિસ્તાનવાદીઓના સમર્થક હોવાનું માનવામાં આવે છે અને ભારતમાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેને લઈ કેનેડાના વિવિધ શહેરોમાં સમર્થનમાં રેલીઓ થઈ હતી તથા પ્રદર્શનો થયા હતા. ટ્રુડોએ ભારતમાં ચાલતા ખેડૂત આંદોલન અંગે બિનજરૂરી ટિપ્પણી કરી હતી. ટ્રુડોએ ભારતમાં કૃષિ કાયદા સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે કહ્યું હતું કે કેનેડા વિશ્વમાં ગમે ત્યાં પણ ચાલતા ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલનના અધિકારોના રક્ષણને ટેકો ધરાવે છે. આ અંગે ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ટ્રુડો બન્ને દેશના સંબંધોને ખરાબ કરી રહ્યા છે. ભારતની સુરક્ષા એજન્સીઓને મળેલી માહિતી પ્રમાણે ભારતમાં ખેડૂત આંદોલનને કેનેડાથી ફંન્ડિંગ થઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેનેડા કોરોના સંક્રમણની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે અને કોવિડ-19ના દર્દીની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે ત્યારે વેક્સિન નહીં હોવાને લીધે મોટાપાયે વેક્સિનેશન પ્રોગ્રામ પણ શરૂ કરી શક્યું નથી. આ સંજોગોમાં કેનેડા અન્ય દેશો પાસેથી વેક્સિન મેળવવા માટે પ્રયત્ન કર્યાં છે જોકે તેને આ અંગે સફળતા મળી નથી. કેનેડાના સાંસદ મિશૈલે એક મંત્રીને પૂછ્યું હતું કે શું ટ્રુડોએ પ્રધાનમંત્રી મોદીને વેક્સિન મુદ્દે કોઈ વાતચીત થઈ છે ત્યારે તે જવાબ આપી શક્યા ન હતા,જો તેમણે કહ્યું હતું કે પીએમ મોદી સાથે વાત જ નથી કરી.

જગમીત સિંહ કેનેડાનો સંસદસભ્ય છે, તેનો પક્ષ NDP ખુલ્લી રીતે ભારતમાં ખાલિસ્તાન ચળવળને સમર્થન કરે છે તેમ જ ભારત વિરોધી કામગીરી ધરાવે છે. તેનો પક્ષ કેનેડાની ટ્રુડો સરકારને ટેકો ધરાવે છે. તેને કેનેડાના એક કટ્ટર ખાલિસ્તાની સમર્થક તરીકે જોવામાં આવે છે. ભારતના આંતરિક મુદ્દાઓ પર તેના રાજકીય દ્રષ્ટિકોણને કારણે તેને 2013માં ભારત સરકારે વિઝા આપવાનો ઈનકાર કર્યો હતો.

ભારતે કોરોના મહામારી બાદ બે વેક્સિન તૈયાર કરી લીધી છે.ભારતે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડનું સિરન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા જ્યારે કોવેક્સિન ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવી છે. દેશભરમાં વ્યાપક પ્રમાણમાં વેક્સિનેશન પ્રોગ્રામ ચલાવી રહ્યું છે. . આ ઉપરાંત ભારત તેના પડોશી દેશોને પણ વેક્સિનનો પુરવઠો પહોંચાડી રહ્યું છે. ભારત પાસેથી વેક્સિન મેળવી રહેલા દેશોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.