ઇમરાનખાન અને અન્ય પીટીઆઇ નેતાઓ ઉપર આગજની અને રમખાણો માટે કેસ

May 28, 2022

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પદભ્રષ્ટ વડાપ્રધાન ઇમરાનખાન અને તેમની પાકિસ્તાન તહેરિક-એ- ઈન્સાફ (PTI) પાર્ટીના વરીષ્ઠ નેતાઓ ઉપર ગુરૂવારે બે જુદા જુદા આગજની અને રમખાણોના બનાવો અંગે કેસ દાખલ કરાયો છે પરંતુ હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ઇમરાન ખાનની પાર્ટીએ બુધવારે રાત્રે યોજેલી 'આઝાદી કૂચ' દરમિયાન ઘણી જગ્યાઓએ આગજની અને રમખાણોની ઘટનાઓ નોંધાઈ હતી. પહેલો કેસ જિન્નાહ એવન્યુમાં થયેલા તોફાનો અને આગજની માટે નોંધાયો ેછે તે માટે FIR પણ કરાઈ છે. બીજી FIR પાટનગરના એક્સપ્રેસ ચોક વિસ્તારમાં કરાયેલી આગજની અને મિલ્કતોને કરાયેલા નુકસાન માટે દાખલ કરાયો છે. આ બંને FIR પોલીસે જ કરેલી ફરિયાદના આધારે નોંઘવામાં આવી છે પરંતુ બીજા કેસમાં તો સ્પષ્ટતઃ ઇમરાનખાન અને PTI ના અન્ય વરિષ્ઠ નેતાઓ આસદ ઉમર, ઇમરાન ઇસ્માઇલ, રાજા ખુર્રહમ, નવાઝઅલી, અમીન ગંડાપુર અને અલી નવાઝ માયાત સામે કેસ નોંધાયા છે.
જો કે, હજી સુધી આ ઘટના અંગે કોઈ ધરપકડ થઈ નથી પરંતુ કેસ દાખલ કરાયા છે જે ઇમરાનખાન અને સાથીઓ પહેલા દર્શાવ્યા પ્રમાણે જો બીજી વિરોધ કૂચ યોજે તો ધરપકડ માટે આધારરૂપ બની રહે તે સહજ છે. આ સાથે આ પૂર્વ વડાપ્રધાને સ્પષ્ટ ધમકી ઉચ્ચારી હતી કે તેઓ દેશમાં રચાયેલી આયાતી સરકારને ઉખેડી નાખશે. જો તે સરકાર ૬ દિવસમાં જ સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર નહી કરે તો પ્રચંડ આંદોલન થશે. જે સામે વડાપ્રધાન શેહબાઝ શરીફે કહ્યું હતું કે, તેમનું ડીક્ટેશન કામ લાગે તેમ નથી. સ્થળ અંગે તો સંસદ જ નિર્ણય લેશે.