નવસારીમાં ‘પતિ, પત્ની અને વો’ના કિસ્સાએ મચાવ્યો ખળભળાટ, ક્રાઈમ સિરિયલ જોઈને અપાયો ઘટનાને કરૂણ અંજામ

September 15, 2020

ચીખલી : રાજ્યમાં પતિ, પત્ની અને વોના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, મોટાભાગની ઘટનાઓમાં “પતિ પત્ની અને વો”નો અંજામ મોટેભાગે કરુણ અને અપરાધથી ભરેલો આવતો હોય છે, અને પરિણામમાં હત્યા થાય એવા કિસ્સા પણ બનતા આવ્યા છે. હવે પતિ, પત્ની અને વોની ઘટનાઓમાં હત્યાનો તખ્તો ઘડવો પણ આધુનિક થઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. આજકાલ ટીવી ચેનલમાં આવતી ક્રાઈમ સિરિયલો જોઈને આ ઘટનામાં પણ અહીં પ્રેમિકાના પ્રેમીને મોતને ઘાટ ઉતારાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, તારીખ ૦૩-૦૩-૨૦ના રાત્રે 09 વાગ્યે ચીખલી તાલુકાના બામણવાડા ગામના માજી સરપંચ જેમનું નામ નિલેશ છનાભાઈ પટેલની હત્યા કરાયેલી લાશ શેરડીના ખેતરમાં મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ઘટનામાં પોલીસ તપાસ શરૂ થઈ અને પોલીસ માટે ગુનો ઉકેલવોએ એક ગુત્થી બની ગઈ હતી. આ ઘટનાને ગુથ્થી ઉકેલવા માટે પોલીસે ચારો તરફ પોતાના નેટવર્કની જાળ બિછાવી દીધી.

સમગ્ર કેસની તપાસ ચીખલી પોલીસ પાસેથી એલસીબીને સોંપવામાં આવી હતી. એક પછી એક કડીઓ જોડાતી ગઈ અને અંતે 6 મહિના બાદ એલસીબીને સફળતા મળી હતી અને હત્યાના નિચોડમાં લગ્નેતર સંબંધ સામે આવ્યો હતો, જેમાં પત્નીના પ્રેમીને પતિ અને પત્ની સાથે બે સાગરીતોને લઈને જુવાનજોધ નિલેશનું કાસળ કાઢી નાખ્યું હતું.

આ ઘટનામાં પોલીસે હત્યા અંગે તમામ ફેક્ટરો તપસ્યા બાદ મરનારના પ્રેમ સંબંધ એક વિવાહિત સ્ત્રી સાથે અને પતિના મિત્ર સાથે બંધાયા હતા. જેમાં અવાર નવાર મિત્રની પત્ની સાથે મળવાનું થતા આંખ મીચોલી થઈ હતી અને પ્રેમના અંકૂરો ફૂટી નીકળ્યા હતા, પણ પ્રેમની જાણ પતિ ચિન્મયને થતા લગ્નજીવનમાં તિરાડ પડવાની શરૂઆત થઈ હતી.

પત્નીનો પ્રેમી કણાની જેમ પતિને ખૂંચતો હતો, જેથી પતિએ પત્ની સામે શરત મૂકી કે, તારે મારી સાથે રહેવું છે કે પછી પ્રેમી સાથે.. મારી સાથે રહેવું હોય તો પ્રેમીને જાનથી મારી નાખવા મને મદદ કરવી પડશે. ત્યારબાદ હત્યાનો પ્લાન ગોઠવાયો હતો. જેમાં આ ઘટનામાં ભોગ બનનાર યુવકની રેકી કરવામાં આવી હતી. જેમાં ચીખલી તાલુકાના સાદકપોર ગામના ગોલવાડના માર્ગ પાસે આવેલ બ્રહ્મદેવના મંદિર પાછળ પ્રેમિકા લઈને આવી અને ત્યાં સહ આરોપીની મદદથી પ્રેમીને કુહાડી અને લોખંડનો સળીયો અને લાકડાના ફાટકાઓ માથામાં મારીને પ્રેમીના રામ રમાડી દીધા હતા.

હત્યા કરતા પહેલા આરોપીઓએ સેલો ટેપ હાથમાં લગાવી હતી, જેથી હાથના નિશાન હથિયાર પર ન આવે અને તમામ પુરાવાઓને સળગાવીને નાબૂદ કર્યા હતા. ટીવી સિરિયલોમાંથી જોઈને આરોપીઓએ સમગ્ર પ્લાન ઘડ્યો હતો. આમ તો આરોપીઓ ચાલાક હતા, પરંતુ મિત્રો સાથે દારૂના નશામાં લવારે ચઢતા પોલીસના બાતમીદારો સુધી વાતો પહોંચતા આખરે તમામ લોકો પાંજરે પુરાયા છે. જોકે જેમાં બે સહ આરોપી મજૂર છે પણ લગ્નમાં રૂપિયાની મદદ કરીશ અને બીજું બધું તમારું પૂરું પાડીશું’, ની લાલચ આપી હતી. જેના કારણે ગુનામાં સાથ આપ્યો હતો.

છેલ્લા 6 મહિનાથી એલસીબી પોલીસ હત્યાનો ભેદ ઉકેલવા માટે તમામ ફેક્ટર અને આ ઘટનામાં ભોગ બનનારની હિસ્ટ્રી તપાસી રહી હતી, જેમાં પ્રેમ પ્રકરણનું તથ્ય બહાર આવતા પોલીસ સતર્ક થઈને તે દિશામાં એક મહિનો સુધી ફિલ્ડિંગ ભરી હતી. પોલીસના માણસને ચિન્મયના ગ્રૂપમાં સામેલ કર્યો અને ત્યારબાદ આરોપી દારૂના શોખીન હોવાથી એટલે એમની અવાર નવાર પાર્ટીઓ ચાલતી હતી, પણ આરોપીને શુ ખબર કે આ દારૂની પાર્ટી મારા માટે ફાંસીનો ફંડો બનશે. થયું પણ તેવુ જ નશામાં આવીને મેં નિલેશને મારી નાખ્યો એવું કહેતાની સાથે પોલીસે બીજા દિવસે વોચ ગોઠવી તમામ આરોપીને ઉઠાવીને જેલની હવા ખવડાવી છે.