રાકેશ અસ્થાનાને આપેલી ક્લિનચીટને સીબીઆઇ કોર્ટે માન્ય રાખી

March 08, 2020

નવી દિલ્હી : સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસૃથાનાને સીબીઆઇએ ભ્રષ્ટાચારના કેસમાં ક્લિનચીટ આપી દીધી હતી, જેથી સમગ્ર મામલો સ્પેશિયલ સીબીઆઇ કોર્ટ પહોંચ્યો હતો.

કોર્ટે અગાઉ ક્લિનચીટ મુદ્દે એજન્સીનો ઉધડી લીધો હતો અને રાકેશ અસૃથાનાનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કેમ ન કર્યો સહિતના સવાલો પૂછ્યા હતા. જ્યારે હવે આ જ કોર્ટે રાકેશ અસૃથાનાને આપેલી ક્લિનચીટને માન્ય રાખી છે જેને પગલે સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર વિરૂદ્ધ હવે કોઇ કાર્યવાહી નહીં થાય. 

સાતમી માર્ચે સીબીઆઇ કોર્ટના ન્યાયાધીશ સંજીવ અગ્રવાલે પોતાના અવલોકનમાં કહ્યું હતું કે રાકેશ અસૃથાના અને દેવેન્દ્ર કુમાર સામે જોઇએ તેટલા અને યોગ્ય પુરાવા નથી. તેથી આ મામલે વધુ તપાસ કરી શકાય તેવો કોઇ સ્કોપ નથી.

સાથે જ કોર્ટે આ કેસમાં છેતરપિંડી અને અપરાધીક ષડયંત્ર તેમજ પીસી એક્ટની કલમ 8 અંતર્ગત મનોજ પ્રસાદ અને સોમેશ પ્રસાદની વિરૂદ્ધના આરોપો માન્ય રાખ્યા છે અને કહ્યું છે કે તેમની વિરૂદ્ધ તપાસ કરી શકાય તેટલા પુરાવા છે તેથી આ બન્નેને સાથે સમન્સ પણ પાઠવી દેવામાં આવ્યા છે. 

સીબીઆઇએ હૈદરાબાદના વ્યાપારી સતીશ સનાના આરોપોના આધારે રાકેશ અસૃથાના વિરૂદ્ધ ભ્રષ્ટાચાર સહિતના આરોપો હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ મામલે સીબીઆઇના તત્કાલીન ડાયરેક્ટર આલોક વર્મા અને રાકેશ અસૃથાના વચ્ચે પણ વિવાદ સર્જાયો હતો. જેને પગલે બન્નેને પદ પરથી હટાવવા પડયા હતા.