બિલ કૌભાંડમાં ગુજરાત સહિત ૩૦ સ્થળોએ સીબીઆઈના દરોડા

July 31, 2020

અમદાવાદ- ભારતીય નૌસેનામાં નકલી બિલના માધ્યમથી કૌભાંડ કરવાના મામલામાં સીબીઆઈએ આજે ચાર રાજ્યોમાં એક સાથે દરોડા પાડયા છે. મળતા અહેવાલ મુજબ, સીબીઆઈની ટીમ દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એક સાથે ૩૦ ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે , પશ્ચિમી નૌસેના કમાન પર આઈટી હાર્ડવેરની આપૂર્તિ માટે નકલી બિલ બનાવીને ૬.૭૬ કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. નૌસેનાના કેપ્ટન અતુલ કુલકર્ણી, કમાન્ડર મંદાર ગોડબોલે અને આરપી શર્મા તથા પેટી ઓફિસર એલઓજી કુલદીપ સિંહ બઘેલ પર આરોપ છે કે આ લોકોએ કથિત રીતે નકલી બિલ તૈયાર કરી ૬.૭૬ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે.

મળતી માહિતી મુજબ, દરોડા દરમિયાન ૧૦ લાખ રૂપિયા રોકડ અને અનેક અગત્યના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, કૌભાંડનો આ સમગ્ર મામલો પશ્ચિમી નૌસેનાનો છે. આઈટી હાર્ડવેરની આપૂર્તિ માટે આકસ્મિક ખર્ચ બિલની ચૂકવણીના નામે નકલી બિલના માધ્યમથી આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલાની રક્ષા મંત્રાલય તરફથી આંતરિક તપાસ કરવામાં આવી ચૂકી છે. ત્યારબાદ રક્ષા મંત્રાલયે તેની જાણકારી ૨૩ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ સીબીઆઈને આપી. રક્ષા મંત્રાલયથી ગ્રીન સિન્ગલ મળ્યા બાદ સીબીઆઈએ આ મામલામાં કેસ નોંધ્યો હતો.સીબીઆઈ સાથે જોડાયેલા અધિકારીએ કહ્યું છે કે અત્યાર સુધીની તપાસમાં એવું લાગે છે કે આ કૌભાંડ ૬.૭૬ કરોડથી વધુનો છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જે બિલને લઈને કૌભાંડ કરવામાં આવ્યું છે તે ઉપરાંત પણ જૂના બિલોની તપાસ કરવામાં આવી રહી છે.