હિમાચલ વિધાનસભામાં ખુરશીનો ખેલ તેજ, વિધાનસભામાંથી BJPના 15 ધારાસભ્યો સસ્પેન્ડ

February 28, 2024

હિમાચલ પ્રદેશમાં રાજકીય ઉથલપાથલ સતત વધી રહી છે. એક તરફ કોંગ્રેસ સરકાર સંકટમાં છે તો બીજી તરફ તેને બચાવવા માટે વિધાનસભામાં નવું ગણિત આચરવામાં આવી રહ્યું છે. વિધાનસભા અધ્યક્ષે પૂર્વ સીએમ જયરામ ઠાકુર સહિત ભાજપના 15 ધારાસભ્યોને સત્રમાંથી હાંકી કાઢતા વિધાનસભાની બહાર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ભાજપના 15 ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં જયરામ ઠાકુર, વિપિન સિંહ પરમાર, વિનોદ કુમાર, જનક રાજ, બલબીર વર્મા, સુરેન્દ્ર શૌરી, ઈન્દર સિંહ ગાંધી, હંસરાજ, લોકેન્દ્ર કુમાર, રણધીર શર્મા, રણવીર સિંહ નિક્કાનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે હિમાચલ પ્રદેશમાં વિધાનસભા સ્પીકરે 15 બીજેપીના ધારાસભ્યોને સસ્પેન્ડ કરતા હવે કોઈપણ મતદાન માટે માત્ર 10 ધારાસભ્યો જ ગૃહમાં હાજર રહેશે.

જો આમ થશે તો બજેટ કોઈપણ અવરોધ વિના પસાર થઈ જશે અને સત્ર અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવશે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે હિમાચલ સરકાર ગૃહ સ્થગિત થવાને કારણે નારાજ ધારાસભ્યોને મનાવવા માટે થોડો સમય મેળવવાની યોજના ધરાવે છે.