સત્યાગ્રહ છાવણી પાસે પોલીસ પરિવાર અને એલઆરડી મહિલાઓનો ચક્કાજામ

September 23, 2022

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પાસે આજે પોલીસ પરિવાર અને એલઆરડી મહિલા ઉમેદવારોએ રસ્તા પર ચક્કાજામ કર્યુ હતું. આંદોલનકર્તાઓ રસ્તા પર બેસી જતા થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ દરમિયાન પોલીસે તેઓની અટકાયત કરી હતી.

આજે વિધાનસભા બે દિવસના ટુંકા સત્રનો અંતિમ દિવસ હતો. આ દરમિયાન સત્યાગ્રહ છાવણી ખાતે એલઆરડી મહિલા ઉમેદવારો અને પોલીસ પરિવાર દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. એલઆરડી મહિલાઓ વર્ષ 2018માં લેવાયેલી એલઆરડીની ભરતીમાં થયેલા અન્યાય મામલે ન્યાય અપાવવા માંગ સાથે પાટનગરમાં છેલ્લા દસ દિવસથી આંદોલન કરી રહી છે. તેઓએ સત્યાગ્રહ છાવણી ખાતે ધામા નાખ્યા છે. મહિલા ઉમેદવારોનો આરોપ છેકે, 1 ઓગષ્ટ 2018નો ઠરાવ ચાલુ ભરતી દરમિયાન રદ્દ થતા 313 જેટલી બિનઅનામત મહિલા ઉમેદવારોને નોકરીથી વંચિત રહેવુ પડયુ છે. તેઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઇ ગયા છે. તેમ છતા હજુ ઓર્ડર મળ્યો નથી. આજે આ મહિલા ઉમેદવારો વિફરી હતી.