આજથી ચાર ધામ યાત્રા, પણ માત્ર ઉત્તરાખંડના યાત્રાળુ માટે

July 01, 2020

દેહરાદૂન :  કોરોના સંક્રમણના કારણે ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા સંપૂર્ણપણે સ્થગિત થઇ ગઇ હતી. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની યાત્રા રાજ્ય સરકારે લૉકડાઉન ખૂલ્યા બાદ ધીમે-ધીમે શરૂ કરી હતી અને પ્રથમ તબક્કામાં 30 જૂન સુધી માત્ર જે-તે ધામના ગૃહ જિલ્લાના લોકોને જ દર્શનની મંજૂરી અપાઇ હતી. આજથી બીજા તબક્કામાં આ યાત્રા સમગ્ર ઉત્તરાખંડના યાત્રાળુઓ માટે ખુલ્લી મુકાઇ રહી છે.

જોકે, તે માટે ઉત્તરાખંડ ચાર ધામ દેવસ્થાનમ બોર્ડે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો ઘડ્યા છે. આ વખતે યાત્રાળુઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તે પછી ઓનલાઇન પાસ મળ્યા બાદ જ યાત્રા કરી શકાશે. સાથે જ બદ્રીનાથ-કેદારનાથની વેબસાઇટ પર પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓનલાઇન મળેલા પાસ સાથે ફોટો આઇડી અને ઉત્તરાખંડના રહેવાસી હોવાનું સર્ટિફિકેટ પણ રાખવું પડશે. કન્ટેઇનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં રહેતા લોકોને યાત્રાની મંજૂરી નહીં અપાય.

દરેક ધામમાં શ્રદ્ધાળુઓને એક રાત રોકાવાની જ મંજૂરી મળશે. 10 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ વયના લોકોને યાત્રા ન કરવા સલાહ અપાઇ છે. બદ્રીનાથ ધામમાં રોજના 1,200, કેદારનાથમાં 800, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં 400 યાત્રાળુને જ મંજૂરી અપાશે. શ્રદ્ધાળુઓ મંદિરના ગર્ભગૃહમાં નહીં પ્રવેશી શકે. મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે તથા હેન્ડ સેનિટાઇઝિંગ અને માસ્ક ફરજિયાત રહેશે. મંદિરમાં પ્રવેશતાં પહેલાં હાથ-પગ ધોવા ફરજિયાત રહેશે. મંદિર પરિસરમાં બહારથી કોઇ પણ પ્રસાદ-ચઢાવો વગેરે નહીં લઇ જઇ શકાય તેમ જ શ્રદ્ધાળુઓ કોઇ પણ મૂર્તિને સ્પર્શ નહીં કરી શકે.

ચાર ધામ યાત્રા માટે સરકારે રોડવેઝની 16 બસ દોડાવવા લીલી ઝંડી આપી છે. તેમાંથી 4-4 બસ રોજ હૃષિકેશ અને હરિદ્વારથી ઉપડશે. બાકીની 4-4 બસ ચારેય ધામ માટે અવર-જવર કરશે. બસ ટિકિટ ઓનલાઇન લેવાની રહેશે. દરેક બસમાં 50 ટકા પેસેન્જર જ બેસાડાશે. બસભાડું 67 ટકા વધારે હશે. પેસેન્જર વધશે તો બસો પણ વધારાશે.