રથયાત્રા : સમય અને સંજોગો મુજબ આગામી સમયમાં નિર્ણય લેવાશે, CM રૂપાણી

June 10, 2021

વડોદરા : રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ છે. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ અમદાવાદમાં યોજાનાર રથયાત્રા અને ઓલમ્પિક વિશે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી સમય અને સંજોગો મુજબ નિર્ણય લેવાશે. આ નિવેદન બાદ ચારેબાજુથી લોકોને રથયાત્રા નીકળશે તેવી આશ બેઠી છે.

આજે સીએમ વિજય રૂપાણીને પ્રેસ કોન્ફરન્સમાં પુછવામાં આવ્યું હતું કે, હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો આગામી સમયમાં રથયાત્રા નીકળશે કે નહીં? આ વિશે રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાને વિનંતી છે કે કેસ ઘટ્યા છે એનો અર્થ એવો નથી કે કોરોના આપણા વચ્ચેથી જતો રહ્યો છે. હજુ પણ આપણે સંયમ જાળવવાની જરૂર છે. ગુજરાત એક એવુ રાજ્ય બન્યુ છે જેણે સંપૂર્ણ લોકડાઉન કર્યુ નથી. રથયાત્રા માટે આપણે જે તે સમયે સમય અને સંજોગોવસાત નિર્ણય લેવામાં આવશે. આપણે છૂટ આપીએ એનો મતલબ એવો નથી કે નિશ્ચિત થઈને બહાર નીકળીએ. જરૂરી હોય તો જ બહાર નીકળવું. કામ વગર ક્યાંય જવુ નહિ. ત્રીજી વેવ માટે તજજ્ઞો પણ સાવચેત રહેવાનું કહી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં રથયાત્રાને લઈને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. મંદિર સંચાલકો અને પોલીસ વચ્ચે બેઠક યોજાઈ છે. જેમાં JCP, DCP સહિતના અધિકારી હાજર રહ્યા છે. ખલાસી ભાઈઓએ પણ મુલાકાત કરી હોવાની માહિતી મળી રહી છે. આજની બેઠકમાં ત્રણેય રથના સમારકામ અંગે પણ ચર્ચા કરાઈ છે.