ચીનમાં કોરોનાની બીજી વખત તપાસ:WHOના 26 એક્સપર્ટ વુહાન જઈને શરૂઆતના કેસોની તપાસ કરશે, કહ્યું- આ અંતિમ કોશિશ હોઈ શકે છે

October 14, 2021

જીનિવા : કોરોના વાઈરસ ક્યાંથી ક્યાં ફેલાયો એ અંગે પાકા પાયે માહિતી મેળવવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને 26 એક્સપર્ટ્સનું એક નવું એડવાઈઝરી ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપ ચીનમાં કોરોનાના ઓરિજિનની તપાસ કરશે. WHOની એક ટીમે આ વર્ષની શરૂઆતમાં પણ ચીનના વુહાન શહેરમાં 4 સપ્તાહ સુધી રોકાઈને તપાસ કરી હતી. જોકે અંતે કઈ મળ્યું નહોતું. આ કારણે ચીનને આ વખતે કહેવામાં આવ્યું છે કે તે શરૂઆતી કેસો સાથે જોડાયેલા ડેટા ઉપલબ્ધ કરાવે. WHOએ કહ્યું છે કે વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઈરસનું ઓરિજન શોધવાની આ અંતિમ કોશિશ હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે પ્રથમ કેસ ડિસેમ્બર 2019માં ચીનના વુહાન શહેરમાં પ્રકાશમાં આવ્યો હતો અને શક્યતા છે કે ત્યાંથી જ આ વાઈરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. જોકે ચીન વારંવાર એમ જ કહેતું આવ્યું છે કે વુહાનની લેબમાંથી વાઈરસ લીક થવાનો દાવો ખોટો છે અને હવે વધારે તપાસની જરૂરિયાત નથી.

બીજા તરફ, WHOની ટીમે પ્રથમ તપાસ પછી આ વર્ષે માર્ચમાં બહાર પાડેલા રિપોર્ટમાં માત્ર એટલું જ કહ્યું હતું કે બની શકે છે કે કોરોના વાઈરસ ચામાચીડિયામાંથી બીજા કોઈ પ્રાણી અને એમાંથી મનુષ્યમાં પહોંચ્યો હોય. જોકે હજી બીજા રિસર્ચની પણ જરૂરિયાત છે, કારણ કે મહામારીની શરૂઆતના દિવસોમાં ડેટાની અછતને કારણે તપાસમાં મુશ્કેલી આવી હતી. એવામાં વુહાન લેબનું ઓડિટ થવું જોઈએ.

આ વાતને અનુલક્ષીને WHOએ નવું એક્સપર્ટનું ગ્રુપ બનાવ્યું છે. WHOના ચીફ ટેડ્રોસ અડહેનામ ગ્રેબેયેસસે બુધવારે જણાવ્યું હતું કે વિશ્વમાંથી મળેલી 700 અરજીમાંથી 26 એક્સપર્ટને તેમના વર્લ્ડ ક્લાસ એક્સપિરિયન્સને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યા છે. તેઓ એનિમલ હેલ્થ, ક્લિનિકલ મેડિસિન, વાઈરોલોજી અને જિનોમિક્સ સાથે જોડાયેલા છે.

કોરોના પર WHOની ટેક્નિકલ ટીમની પ્રમુખ મારિયા વેન કેરખોવે આશા વ્યક્ત કરી છે કે ચીન તપાસમાં મદદ કરશે, સાથે જ કહ્યું હતું કે કોરોના પ્રાણીઓમાંથી માણસમાં કઈ રીતે પહોંચ્યો એની માહિતી મેળવવા માટે ડઝનથી વધુ પ્રસ્તાવિત સ્ટડીઝને આગળ વધારવાની જરૂરિયાત છે. કેરખોવનું કહેવું છે કે 2019માં વુહાનના લોકોમાં કરવામાં આવેલા એન્ટિબોડી ટેસ્ટના ડેટા કોરોનાની ઉત્પત્તિની માહિતી મેળવવામાં ખૂબ જ મહત્ત્વના રહેશે.