કોરોનાના કેસ વધતાં હાઈકોર્ટમાં મોટી સંખ્યામાં અરજદારોની ભીડ ટાળવા ચીફ જસ્ટિસે તાકીદ કરી

June 21, 2022

ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યાં હોવાને લઈને ગુજરાત હાઈકોર્ટના ચીફ્ જસ્ટીસ અરવિંદકુમારે ચિંતા વ્યક્ત કરી છે. આજે હાઈકોર્ટમાં આદર્શ કો.ઓપરેટીવ સોસાયટીના કેસની સુનાવણી દરમિયાન મોટી સંખ્યામાં અરજદારોની ભીડ હતી. જેની નોંધ લેતા પુછપરછ કરાઈ હતી. ત્યાર બાદ ચીફ્ જસ્ટીસે કોર્ટમાં બિનજરૂરી ભીડ ભેગી નહીં કરવા ટકોર કરી હતી.

કોર્ટ રૂમમાં વકીલ, ફ્રિયાદી કે આરોપી સિવાયના લોકોને હાજર રહેવાની હાલ જરૂર નથી તેમ જણાવ્યુ હતુ. ગુજરાત હાઈકોર્ટમાં આજે આદર્શ કો.ઓપરેટીવ સોસાયટીના કેસ સંદર્ભે મોટી સંખ્યામાં અરજદારો ભેગા થયાં હતાં.

કોર્ટમાં લોકોની ભીડ જોઈને ચીફ્ જસ્ટિસે સરકારી વકીલ પાસે પૂછપરછ કરી કે 'આટલા બધા લોકોની હાજરી શા માટે છે?' ત્યાર બાદ ટકોર કરી કે, 'કોર્ટ રૂમમાં બિનજરૂરી જમાવડો ટાળવો જોઇએ. સરકાર પણ કોવિડ પ્રોટોકોલની અમલવારી કરાવી રહી છે ત્યારે લોકોએ પણ વધુ સાવચેતી રાખવાની જરૂર છે.'