અ’વાદમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગની ઘટનામાં મોટો પર્દાફાશ, 32 બાળકોને છોડાવ્યા

September 18, 2020

અમદાવાદ : અમદાવાદમાંથી આજે ચાઇલ્ડ ટ્રાફિકિંગની ઘટનાનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં CIDએ બાળ મજૂરી કૌભાંડને ખુલ્લું પાડીને 32 જેટલા બાળકોને મુક્ત કર્યા છે. આ ઘટનામાં બિહારથી 15તી 17 વર્ષના બાળકોને અમદાવાદમાં લાવવામાં આવી રહ્યા હતા. તમામ બાળકોને ટ્રેન મારફતે અમદાવાદ લવાયા હોવાની વાત સામે આવી છે. ત્યારે કેટલા NGOની મદદથી CIDને બાતમી આપીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અઝીમાબાદ એક્સપ્રેસમાંથી 32 બાળકોને હાલ મુક્ત કરાવાયા છે. બચપન બચાઓ આંદોલન એનજીઓ અને cid ક્રાઇમે આજે વહેલી સવારે આ ઓપરેશન પાર પાડ્યું છે. અઝીમાબદ એક્સપ્રેસમાંથી આજે વહેલી સવારે 4.30 વાગે 32 સગીર બાળકો મુક્ત કર્યા છે.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બિહારથી આવેલી નિઝામાબાદ એક્સપ્રેસમાંથી 15થી 17 વર્ષનાં બિહારનાં 32 બાળકો મળી આવ્યાં હતાં. આર્થિક તંગીને કારણે પરિવારના સભ્યો બાળકોને દલાલ મારફત મોકલી રહ્યાં છે અને આ દેશવ્યાપી નેટવર્ક હોવાનું પ્રાથમિક તારણ છે. બાળકોને હાલ કાલુપુર પોલીસ સ્ટેશને લઈ જવાયાં છે. આ ઘટનામાં ચાઈલ્ડ ટ્રાફિકિંગનો ગુનો દાખલ કરવામાં આવી શકે છે.

લોકડાઉન અને કોરોનાની સ્થિતિને કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મજૂરોની અછત સર્જાય છે, જેને કારણે નાનાં બાળકોને મજૂરી અર્થે વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યાં હોવાનું બચપન બચાઓ આંદોલન એનજીઓ અને સીઆઇડી ક્રાઇમને જાણવા મળ્યું હતું. સીઆઇડી ક્રાઈમને બાતમી મળી હતી કે અમુક રૂપિયા લઈને પરિવારના સભ્યો નાનાં બાળકોને ગુજરાત મોકલી રહ્યાં છે અને રાતની ટ્રેનમાં બાળકો અમદાવાદ પહોંચવાનાં છે, જેને ધ્યાનમાં રાખીને સીઆઇડી ક્રાઇમે વિવિધ NGOઓ સાથે મળી વોચ ગોઠવી કાલુપુર રેલવે સ્ટેશને આ ઓપરેશન પાર પાડ્યું હતું.