ચીને અક્સાઇ ચીનમાં કિલ્લર મિસાઈલ તૈનાત કરી

September 22, 2020

નવીદિલ્હીઃ લદ્દાખમાં ભારતની સાથે તણાવની વચ્ચે ચીનના ઇરાદા ખૂબ જ ખતરનાક થઇ રહ્યા છે. ભારત અને ચીનની વચ્ચે કેટલાંય દોરની વાતચીત પરિણામ વગરની રહ્યા બાદ ચીની સેના હવે મોટાપાયા પર ઘાતક હથિયારોની તૈનાતીમાં લાગી ગયું છે. પીપલ્સ લિબરેશન આર્મી (PLA) લદ્દાખને અડીને આવેલા ચીની કબ્જાવાળા અક્સાઇ ચીન વિસ્તારમાં મધ્યમ અંતર સુધી પ્રહાર કરનાર કિલર મિસાઇલો તૈનાત કરી રહ્યું છે. આ મિસાઇલોની રેન્જ અને સંખ્યા એટલી વધુ છે કે ચીની સેના આખા ભારતને નિશાન બનાવી શકે છે. બીજીબાજુ ચીની સેનાનો મુકાબલો કરવા માટે ભારતીય સેના પણ મોટાપાયે ઘાતક હથિયારોની તૈનાતી કરી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીન ભારતને ધમકાવા માટે અક્સાઇ ચીનમાં મોટી સંખ્યામાં મધ્યમ અંતરની પ્રહાર કરનાર મિસાઇલો તૈનાત કરી રહ્યું છે. સેટેલાઇટથી મળેલી તસવીરો પરથી ખબર પડે છે કે અક્સાઇ ચીન વિસ્તારમાં આવેલા ચીની એર બેઝને ચીને મિસાઇલો, તોપો અને લાંબા અંતર સુધી પ્રહાર કરવામાં સક્ષમ રોકેટને ઉભા કરી દીધા છે. 
આ સિવાય જમીનથી હવામાં પ્રહાર કરનાર મિસાઇલો પણ આ ચીન સૈન્ય ઠેકાણાઓ પર દેખાઇ છે. ચીને આ પ્રકારની રણનીતિ સાઉથ ચાઇના સીમાં અપનાવી હતી અને ત્યાં અભ્યાસ કરી રહેલા અમેરિકન નૌસેનાના એરક્રાફ્ટ કેરિયરને ધમકાવા માટે પોતાની DF-26 અને DF-21-D મિસાઇલોને તૈનાત કરી હતી. ચીનની પાસે ભલે આખા ભારતને નિશાન બનાવનારી મિસાઇલો હોય અને તેની વધુ સંખ્યા હોય, ભારતીય સેના તેનો પણ જવાબ આપવા માટે તૈયાર છે. રક્ષા બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલાની કહે છે કે ચીનની મધ્યમ અંતરની મિસાઇલો પરમાણુ હથિયારોથી લેસ છે પરંતુ તેને પરંપરાગત વૉરહેડ પણ બનાવી લીધા છે. બિન પરમાણુ હુમલામાં આ ચીની મિસાઇલો ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી શકે છે. ચીને છેલ્લાં ત્રણ વર્ષમાં LACને અડીને આવેલા પોતાના વિસ્તારોમાં એર બેઝની સંખ્યા બમણી કરી દીધી છે. આ સિવાય ભારતીય વિમાનો અને મિસાઇલોને તોડી પાડવા માટે એર ડિફેન્સ પોઝિશન અને હેલીપોર્ટની સંખ્યાને પણ વધારીને બમણી કરી દીધી છે.