ચીને LAC પર તૈનાત કર્યા સેનાના બે ડિવિઝન, ભારતીય બ્રિગેડે પણ સંભાળ્યો મોરચો

July 01, 2020

નવી દિલ્હી : લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ખાતે વધી રહેલા તણાવ વચ્ચે ચીને પોતાની તૈનાતી વધારી દીધી છે. ચીન તરફથી સેનાના બે ડિવિઝન ભારતીય સરહદ પર તૈનાત કરવામાં આવ્યા છે. જવાબમાં ભારતીય સેનાએ પણ પોતાની તૈનાતી વધારી દીધી છે. આ બધા વચ્ચે ભારતીય સેનાને લાગે છે કે બંને દેશ વચ્ચે ઓક્ટોબર મહીના સુધી તણાવ ચાલુ રહેશે.

જાણવા મળ્યા મુજબ ચીનના તિબેટ અને શિનજિયાંગ પ્રાંતમાં ઉપસ્થિત 10,000 વધારાના સૈનિકો છેલ્લા થોડા દિવસોથી યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે. એલએસી ખાતે ચીનની તમામ ગતિવિધિઓ પર ભારતીય સુરક્ષા એજન્સીઓની નજર છે. સરકારી સૂત્રોએ પણ એલએસી ખાતે ચીન તરફથી વધારાના સૈનિકોની તૈનાતીની પૃષ્ટિ કરી છે.

આ સાથે જ ગાલવાન ઘાટી, પેટ્રોલિંગ પોઈન્ટ-15, પૈંગોંગ ત્સો અને ફિંગર એરિયામાં ભારતીય સેનાએ પોતાની તૈનાતી વધારી દીધી છે. ચીનનો સામનો કરવા માટે એક બ્રિગેડ જેટલા સૈનિકોની તૈનાતી કરવામાં આવી છે. આ સાથે જ ભારતીય સેનાએ રણનીતિ માટેના પોઈન્ટ પર પોતાની તૈનાતી વધારી દીધી છે અને ટેન્ક-હથિયારો વગેરે પહોંચાડવામાં આવી રહ્યું છે.

સત્તાવાર સૂત્રો પ્રમાણે ચીને સરહદ પાર 20,000 જવાનોની તૈનાતી કરી છે. આ સાથે જ ચીને નોર્થન શિનજિયાંગ પ્રાંતમાં પોતાના વધારાના ડિવિઝનને પણ એલએસી પર લાવવાનો નિર્ણય લીધો છે. ચીની સેનાનું વધારાનું ડિવિઝન 48 કલાકમાં ભારતીય પોઝિશન સુધી પહોંચી શકે છે.

સરકારી અહેવાલ પ્રમાણે આપણે ચીનની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છીએ. એલએસી ખાતે વધી રહેલી ચીની સૈનિકોની તૈનાતીથી શંકા જાગી રહી છે કે ચીન કોઈક ચાલ તો નહીં ચાલે ને? વાતચીત દરમિયાન ચીને પીછેહઠનું વચન આપેલું પરંતુ તે સરહદ પર પોતાની તૈનાતી વધારી રહ્યું છે.

એલએસી ખાતે ચીનની તૈનાતી વધ્યા બાદ ભારતે પણ મિરર તૈનાતી કરી છે. ભારતીય સેનાના બે વધારાના ડિવિઝનને એલએસી પાસે તૈનાત કરવામાં આવ્યા છે જેથી ચીની સેનાના કોઈ પણ છમકલાનો જવાબ આપી શકાય. આ સાથે જ ભારતીય જવાનોને તેઓ વાતાવરણને અનુકૂળ થઈ સુરક્ષા કરી શકે તે માટે જરૂરી તમામ સંસાધનો આપવામાં આવી રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ ચીનની વધતી તૈનાતી બાદ ભારતીય સેનાએ વધારાની ટેન્ક અને સશસ્ત્ર રેજિમેન્ટને લદ્દાખમાં તૈનાત કરવાનો નિર્ણય લીધો છે જેથી ચીની સેનાને જડબાતોડ જવાબ આપી શકાય. ટેન્ક અને હથિયારોને ફ્રન્ટલાઈન પર મોકલવામાં આવી રહ્યા છે જ્યાં ભારતીય સૈનિકો ચીની સૈનિકોની સામસામે ઉભા છે.