કોરોનાથી ચીન બેહાલ: શાંઘાઈ-બેઇજિંગમાં સ્થિતિ વણસી, ઉત્તર કોરિયામાં લોકડાઉન લદાયું

May 13, 2022

શાંઘાઈ : ચીનમાં કોરોનાના કારણે હાહાકાર મચી ગયો છે. રાજધાની બેઇજિંગ અને વ્યાપારી રાજધાની શાંઘાઈમાં પ્રતિબંધો લદાયા છે. ઘરોમાં કેદ લાખો લોકોને પણ સામાનની ડિલિવરી લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. બુધવારે મેના રોજ ચીનમાં કોરોનાના 3,475 નવા કેસ નોંધાયા હતા. જેમાંથી 357 લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા અને 3118 લોકોમાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.  ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનએ પ્યોંગયાંગમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયા બાદ ગુરૂવારથી રાષ્ટ્ર વ્યાપી લોકડાઉન લગાવી દેવાયું હતું

ચીનમાં અત્યાર સુધીમાં 5191 લોકોના મોત થયા છે.  આ વખતે ચીનમાં ઝીરો કોવિડ પોલિસી પર પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. શાંઘાઈમાં દોઢ મહિનાથી લોકડાઉન લાગુ છે. ચેપને રોકવા માટે નિયંત્રણો કડક કરવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી. શાંઘાઈના 16 માંથી ચાર જિલ્લાના લોકોને અઠવાડિયાના અંતે નોટિસ આપવામાં આવી હતી કે, તેઓ તેમના ઘર છોડી શકતા નથી. તેઓ સામાનની ડિલિવરી પણ લઈ શકતા નથી. પહેલા રહેણાંક વિસ્તારમાં ફરવાની છૂટ હતી.

શાંઘાઈમાં નવા પ્રતિબંધોનો વિરોધ વધી રહ્યો છે. કોકો વાંગ નામના રહેવાસી કહે છે કે, તે જેલ જેવું છે. અમે નીતિઓથી ડરીએ છીએ, કોરોના વાયરસથી નહીં. બીજી તરફ, બેઇજિંગમાં અત્યાર સુધીના સૌથી કડક નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ બેઇજિંગમાં, લોકોને તેમના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. જાહેર પરિવહન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ઘણી ઇમારતો અને ઉદ્યાનોને પણ સીલ કરવામાં આવ્યા છે.