ચીન તિબેટમાં લશ્કરી લોજિસ્ટિક હબ ઊભું કરી રહ્યું છે

January 12, 2021

નવીદિલ્હીઃ ચીન તેબેટના શિગાંત્સે ખાતે મોટું લશ્કરી લોજિસ્ટિક હબ ઊભું કરી રહ્યું છે. જોવા મળતી સેટેલાઇટ તસવીરો આ બાબતની ચાડી ખાય છે. નિષ્ણાતોનું માનવું છે કે સમગ્ર વાસ્તિવક અંકુશ રેખા પર ઓપરેશનને સબળ બનાવવા કનેક્ટિવિટી અને માળખાકીય સુવિધા વધારવા બેઇજિંગ તરફથી પ્રયાસ થઈ રહ્યા છે. એક ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ સમીક્ષકો ટ્વિટર પર આ તસવીર શેર કરી હતી.  એક તસવીરમાં બાંધકામ હેઠળની સંખ્યાબંધ ઇમારતો પણ જોવા મળે છે. તેમાં સરફેસ ટુ એર મિસાઇલ સાઇટ, સૈન્યને ટેકો આપવા ઊભી થઈ રહેલી ઇમારત, નવા રેલવે ર્ટિમનલ, નવી રેલવે લાઇન અને સંભવિત ઈંધણ ભંડાર હોવાના સંકેત છે.  સ્થળ પર નવી ભૂગર્ભ સુવિધાઓ પણ ઊભી થઈ રહી છે. ભારત સાથે પ્રવર્તી રહેલી મડાગાંઠ અને તંગદિલી વચ્ચે ચીને વાસ્તવિક અંકુશ રેખા પરથી પોતાના ૧૦,૦૦૦ સૈનિકોને દૂર કર્યા છે. ભારતીય સરહદ નજીક ૨૦૦ કિ.મી. વિસ્તારમાંથી ચીનના સૈનિકો દૂર થઈ ચૂક્યા છે. લદ્દાખમાં તાપમાનનો પારો શૂન્ય નીચે જતાં ચીને આ પગલું લીધું હોવાનું કહેવાય છે. કાતિલ ઠંડી અને કઠોર જીવનને કારણે ચીને ભારતની સરહદેથી તેના સૈનિકો દૂર કર્યા છે.