પાક.માટે ચીનની રસી માથાનો દુઃખાવો બની: અખાતી દેશોએ તેને માન્ય કરી નથી

June 09, 2021

ઇસ્લામાબાદ: ચીનની કોરોના રસી સિનોફાર્મ પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બની ગઇ છે. હૂ (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) એ આ ચીની રસીને માન્યતા આપી છે, પરંતુ સાઉદી અરબ સહિત કેટલાય અખાતી દેશો એને ઓછી અસરકારક ગણીને માન્ય કરી રહ્યા નથી. આના પરિણામે હજયાત્રા, કારોબાર અને અભ્યાસ માટે ત્યાં જનારા લોકોની પરેશાનીઓ વધી ગઇ છે. વડાપ્રધાન ઇમરાન ખાન આ મુદ્દે અગ્રીમતાના ધોરણે અખાતી દેશો સાથે વાત કરી રહ્યા છે. વેબસાઇટ ડોનના રિપોર્ટ મુજબ ગૃહમંત્રી શેખ રાશિદ અહમદે રવિવારે જણાવ્યું કે ખુદ વડાપ્રધાન ઇમરાન ખાન સાઉદી અરબ અને મધ્ય પૂર્વના દેશો સાથે આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. રાશિદે પત્રકારોને કહ્યું કે વડાપ્રધાને કેબિનેટના એમના સહયોગીઓને જણાવ્યું કે તેઓ આ મામલે સંબંધિત દેશો સાથે સંપર્કમાં છે. સાઉદી અરબ, મધ્ય પૂર્વના એ દેશોમાં સામેલ છે કે જેણે ચીનની આ કોરોના-રસીને માન્યતા આપી નથી. ચીને એની આ કોરોના રસી સિનોફાર્મ અને સિનેવૈકને પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં મોકલી છે.
સાઉદી અરેબિયામાં ફાઇઝર, એસ્ટ્રાજેનેકા, મોર્ડના અને જોન્સન એન્ડ જોન્સનની રસી મૂકવામાં આવી રહી છે. પાકિસ્તાની વિકાસમંત્રી અસમ ઉમરે કહ્યું કે જેમને હજયાત્રા અથવા અભ્યાસ માટે વિદેશ જવું છે એમને અગ્રીમતાના ધોરણે ફાઇઝરની રસી મૂકવામાં આવશે.
ચીની રસીને માન્યતા નહિ આપવાથી આખી દુનિયા માટે એક સમસ્યા ઉભી થઇ જશે, એટલે કે એ વિષે જલદી સમાધાન શોધાય એ જરૃરી હોવાનું એમણે ઉમેર્યુ.