ચિરાગ પાસવાને ખુદને મોદીના હનુમાન ગણાવી નીતિશ પર નિશાન તાક્યું

October 17, 2020

પટના : લોજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને ફરી એકવાર ખુદને પીએમ મોદીના હનુમાન ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે પીએમ મોદી તો તેમના દિલમાં છે. મને તેમની તસવીરનો ઉપયોગ કરવાની જરૂર નથી. આ પહેલા તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ફરીથી પ્રહારો કર્યા હતા.

શુક્રવારે સોશિયલ મીડિયા પર તેમણે કહ્યું હતું કે રાજ કરવા માટે નિર્ણય કરવાનો હોત તો નીતિશની સાથે રહ્યો હોત પરંતુ એવું કર્યા પછી ખુદને માફ ન કરી શક્યો હોત. કોઈ પણ ભોગે નીતિશનું નેતૃત્વ સ્વીકારી શકાય નહીં. મારો માર્ગ અલગ છે. નીતિશ સાથે હવે લડવાનો સમય આવી ગયો છે. મારા માટે તો નીતિશ કુમાર અસંભવ છે. ચિરાગે કહ્યું કે બિહારને વધુ બરબાદ થતું જોઈ શકાય તેમ નથી. શાયરાના અંદાજમાં પણ તેમણે પોતાની વાત કરી અને કહ્યું- ‘વો લડ રહે હૈ હમ પર રાજ કરને કે લિએ, હમ લડ રહે હૈ ખુદ પર નાઝ કરને કે લિએ.’ - ‘ઝુલ્મ કરો મત, ઝુલ્મ સહો મત, જીના હૈ તો મરના સીખો, કદમ પર લડના સીખો.’

ચિરાગ પાસવાનના કાકા સાંસદ પશુપતિ કુમાર પારસે પહેલા તો નીતિશ કુમારની પ્રશંસા કરી હતી પરંતુ તત્કાળ યુ-ટર્ન લઈને તેમને બિહારને બરબાદ કરનાર વ્યક્તિ ગણાવ્યા. તેમણે કહ્યું કે નીતિશ કુમાર વિકાસ અંગે જ વિચારે છે. કેબિનેટની બેઠકોમાં પણ અમે જોતા હતા કે તેમણે હંમેશા બિહાર વિશે વિચાર્યું.