સિગારેટ પર લખેલી હશે સ્વાસ્થ્ય સંબંધી ચેતવણી, કેનેડા બનશે પ્રથમ દેશ

June 13, 2022

ટોરેન્ટોઃ કેનેડા દુનિયાનો પ્રથમ એવો દેશ બનવા તૈયાર છે, જેણે તમાકુ પેકેટો પર ફોટો ચેતવણીના પ્રભાવને લઈને ચિંતા વચ્ચે દરેક સિગારેટ પર એક લેખિત ચેતવણી રજૂ કરવાની યોજના બનાવી છે. ધ ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે કેનેડા દુનિયાનો એવો પ્રથમ દેશ હશે જ્યાં દરેક સિગારેટ પર સ્વાસ્થ્ય સંબંધી ચેતવણી લખવી ફરજીયાત હશે. આ પહેલા દેશમાં તમાકુ ઉત્પાદનોના પેકિંગ પર ચેતવણીના રૂપમાં એક ગ્રાફિક ચિત્ર લગાવવાની નીતિ લાગૂ થઈ હતી. બે દાયકા પહેલા શરૂ થયેલી આ નીતિને દુનિયાભરમાં અપનાવવામાં આવી છે. 


માનસિક સ્વાસ્થ્ય મંત્રી કૈરોલિન બેનેટે શુક્રવારે આયોજીત એક પત્રકાર પરિષદમાં કહ્યું, 'અમારે તે ચિંતાઓને દૂર કરવી છે કે આ સંદેશાનો પ્રભાવ ઓછો થઈ ગયો છે. દરેક તમાકુ ઉત્પાદન પર સ્વાસ્થ્ય સંબંધી ચેતવણી લખવાથી નક્કી કરી શકાશે કે આ જરૂરી સંદેશ દરેક વ્યક્તિ સુધી પહોંચે, જેમાં યુવા પણ સામેલ છે, જે એક વખતમાં એક સિગારેટ પીવે છે અને પેકેટ પર લખેલી ચેતવણીને જોઈ શકતા નથી.'
આ પ્રસ્તાવ પર શનિવારે ચર્ચા થશે અને સરકારને લાગે છે કે 2023ના અંત સુધી આ નિયમ લાગૂ કરી શકાશે. બેનેટે જણાવ્યુ કે દરેક સિગારેટ પર 'દરેક કશમાં ઝેર છે' સંદેશ લખવાનો પ્રસ્તાવ છે. પરંતુ તેમાં ફેરફાર પણ કરી શકાય છે.