સુરતમાં રાહદારીને ટક્કર મારતાં સિટી બસને લોકોએ સળગાવી દીધી, આગ લગાવનાર 6ની ઓળખ, 3ની અટકાયત

January 15, 2022

સુરત : સુરતમાં સરથાણા નજીકના ડાયમંડનગરમાં રાહદારીને ટક્કર મારનાર સિટી બસને લોકોએ સળગાવી દેતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. શુક્રવારની મોડી રાત્રે બનેલી ઘટના બાદ ઇજાગ્રસ્ત રાહદારીને તાત્કાલિક સારવાર માટે 108માં હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યારે પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવી આગ લગાવનાર 6 જેટલાની ઓળખ કરી લીધી છે અને 3ની અટકાયત પણ કરી છે.

બર્નિંગ બસને લઈ ફાયરને કોલ મળતાં ફાયરના જવાનોએ ઘટનાસ્થળે જઈ બસની આગને કાબૂમાં લીધી હતી. ઘટના બાદ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફે તાત્કાલિક સ્થળ પર દોડી જઇ ટોળાને વેરવિખેર કરી દીધા હતા. જોકે આ દુર્ઘટનામાં બસના ડ્રાઇવર-કંડકટર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

એમ.કે. ગુર્જર (પીઆઇ સરથાણા)એ જણાવ્યું હતું કે BRTS રૂટ પર એક યુવક રોડ ક્રોશ કરતો હતો. બસે અડફેટે લેતાં બેભાન થઈ ગયો હતો. તાત્કાલિક 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે ત્યાર બાદ ભેગા થયેલા લોકોના ટોળાએ રોષમાં આવી બસને આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ બાદ પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી. બસને આગ ચાપનાર 6 જણાની ઓળખ કરવામાં આવી છે, જે પૈકી 3ને ડિટેન કરાયા છે. આજે CCTV ફૂટેઝના આધારે આગળની તપાસ હાથ ધરાશે.