આસામમાં બજરંગ દળ અને મુસ્લિમો વચ્ચે અથડામણ, અયોધ્યાના ભૂમિપૂજન નિમિત્તે નીકળી હતી શોભાયાત્રા

August 06, 2020

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરની જમીનનું ભૂમિપૂજન કર્યું ત્યારે ઉત્સવની ઉજવણીના અતિરેકમાં કેટલાંક સ્થળોએ અથડામણ થઇ હોવાના અહેવાલ મળ્યા હતા. આસામમાં સોનિતપુર જિલ્લામાં શોભાયાત્રા કાઢી રહેલા બજરંગ દળના યુવાનો સાથે સ્થાનિક મુસ્લિમ યુવાનો બાખડી પડ્યા હતા.

પોતાની ઓળખ છૂપાવીને એક જિલ્લાધિકારીએ કહ્યું હતું કે અયોધ્યામાં ભૂમિપૂજન થઇ રહ્યું હતું ત્યારે બજંગ દળના યુવાનોએ સ્થાનિક હનુમાન મંદિરથી એક બાઇક રેલી યોજી હતી. આ બાઇક રેલી દરમિયાન સામસામે પથ્થબાજી થઇ હતી. બજરંગ દળના યુવાનોએ પાંચેક મુસ્લિમ યુવાનોને એક ઓરડામાં પૂરી દીધા હતા. દરમિયાન એક બાઇક અને એક ટાટા મેજિક કારને આગ ચાંપવામાં આવી હતી. સોનિતપુરના ડેપ્યુટી પોલીસ કમિશનર મનવેન્દ્ર પ્રતાપ સિંઘે કહ્યું હતું કે આ અથડામણમાં બંને પક્ષના યુવાનોને નાની મોટી ઇજા થઇ હતી.

તેમણે એવી માહિતી પણ આપી હતી કે થેલમાડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કેટલાક વિસ્તારોમાં બે દિવસનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો અને અતિરિક્ત ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ જી પી સિંઘે કહ્યું હતું કે પોલીસ કુમક વધારવામાં આવી હતી અને હવે પરિસ્થિતિ કાબૂમાં હતી.

બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકારે લૉકડાઉન જાહેર કર્યો હોવાના વિરોધમાં પદયાત્રા યોજનારા ભાજપી કાર્યકરો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. પરિણામે પોલીસે 3400 જણની ધરપકડ કરી હતી જેમાં 850 જણ તો માત્ર કોલકાતાના રહેવાસી હતા. ભાજપે બે દિવસ પહેલાં મમતા બેનરજીની સરકારને શોભાયાત્રા કાઢવાની અને ઉજવણી કરવાની પરવાનગી આપવાની વિનંતી કરી હતી પરંતુ મમતાએ પરવાનગી ન આપી એટલું જ નહીં પણ બુધવારે  સમગ્ર રાજ્યમાં લૉકડાઉન જાહેર કરી દીધો.

એના વિરોધમાં ભાજપે શાંતિયાત્રા યોજી હતી. એક પોલીસ અધિકારીએ આપેલી માહિતી મુજબ પશ્ચિમ મિદનાપોર જિલ્લાના 24 પરગણા વિસ્તારના ખડગપુર, નારાયણપુર તથા ઉત્તરમાં અલીરાજપુર વિસ્તારમાં પોલીસ અને ભાજપી કાર્યકરો વચ્ચે અથડામણ થઇ હતી. લૉકડાઉનના ભંગ બદલ પોલીસે એ બધાની ધરપકડ કરી હતી.