એસ્ટ્રાઝેનેકાની કોવિશીલ્ડ અને મગજમાં થતા બ્લડ ક્લૉટ વચ્ચે સ્પષ્ટ સંબંધ : ઇએમએ

April 08, 2021

રોમ: યુરોપિયન મેડિસિન્સ એજન્સી (ઇએમએ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવાયેલી અને ભારતમાં સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા મેન્યુફેક્ચર થતી કોરોનાની રસી કોવિશીલ્ડ અને મગજમાં થતા બ્લડ ક્લૉટ વચ્ચે સીધો સંબંધ છે, પરંતુ તે કયા કારણે થાય છે તે હજુ જાણી શકાયું નથી. 
ઇએમએની વેક્સિન ઇવેલ્યૂએશન ટીમના અધ્યક્ષ માર્કો કાવાલેરીએ ઇટાલીના અખબાર ઇલ મેસેગેરોને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મારા મતે હવે અમે કહી શકીએ છીએ અને સ્પષ્ટ છે કે કોવિશીલ્ડ વેક્સિન અને મગજમાં થતા બ્લડ ક્લૉટ વચ્ચે સંબંધ છે, જોકે અમે હજુ જાણતા નથી કે કયાં કારણોસર આ રિએક્શન આવે છે. કાવાલેરીએ જણાવ્યું હતું કે, ઇએમએ તેના રિપોર્ટમાં જણાવશે કે બ્લડ ક્લૉટ અને વેક્સિન વચ્ચે સંબંધ છે, પરંતુ આ સપ્તાહમાં એજન્સી કયા વયજૂથના લોકોને કોવિશીલ્ડ આપવી જોઇએ તે અંગે સંકેત આપી શકશે નહીં.
જોકે કાવાલેરીએ તેમના આ દાવા માટે કોઇ પુરાવા રજૂ કર્યા નહોતા. એસ્ટ્રાઝેનેકા કંપની તરફથી પણ કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી. યુરોપમાં અત્યાર સુધીમાં ૯૨ લાખ લોકોને કોવિશીલ્ડ અપાઇ છે તેમાંથી ૪૪ લોકોમાં બ્લડ ક્લૉટ જોવા મળ્યા છે. બ્રિટનમાં આ પ્રકારના ૩૦ કેસ નોંધાયા છે અને તેમાંથી ૭ લોકોનાં મોત થયાં છે.