ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: હાથમતી જળાશયમાં 8,400 ક્યુસેક પાણીની આવક

August 13, 2022

હાલ અરબી સમુદ્રમાં ડીપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે 15 મી ઓગસ્ટ સુધી રાજયમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તેવામાં ઉત્તર ગુજરાતના અનેક પંથકોમાં ભારે વરસાદના પગલે જનજીવનને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ભારે વરસાદને પગલે સાબરકાંઠામાં આવેલા હાથમતી જળાશયમાં નવા નીરની આવક થઇ છે. 8,400 કયુસેક જેટલું નવું પાણી આવતા જળાશય પાણીથી ભરપુર થવા જઈ રહ્યું છે. આથી જળાશયની આજુબાજુના અનેક ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

ગઈકાલે સાબરકાંઠાઅ વિજયનગરમાં સૌથી વધુ 5.4 ઇંચ વરસાદ પડ્યો હતો જેને પગલે અનેક ગામડાઓમાં પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદને લીધે વિજયનગરની હારણાવ નદીમાં પુર આવ્યું હતું. જેથી નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવા આવી હતી. નદીનું પાણી સરસવ ગામમાં ફરી વળતા સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હતું. નદીનું પાણી સરસવ ગામની પ્રાથમિક શાળા સુધી પહોંચી જતા શાળાનું અભ્યાસકાર્ય બંધ કરવાની ફરજ પડી હતી.