સુરત પહોંચેલાં સીએમ રૂપાણીની જાહેરાત, 100 કરોડનાં ખર્ચે બનાવશે બે કોરોના હોસ્પિટલ

July 04, 2020

ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં કોરોનાના કેસ વધ્યા છે. સંક્રમણ રોકવા નિયમ નહીં પાળે તો કાર્યવાહી થશે. 


સુરતમાં કોરોના બેકાબૂ બનતાં શનિવારે સીએમ રૂપાણી અને નીતિન પટેલે સમીક્ષા બેઠક કરી હતી. જે બાદ સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં જણાવ્યું હતું કે, 100 કરોડનાં ખર્ચે 2 કોવિડ હોસ્પિટલ બનશે. સુરતમાં 100થી વધારે ધન્વંતરી રથ 500 જગ્યાઓએ ફરશે. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરતાં કારખાનાં બંધ કરવાની ચીમકી પણ સીએમ રૂપાણીએ ઉચ્ચારી હતી.

આ ઉપરાંત સીએમ રૂપાણીએ સુરતમાં 200 વેન્ટિલેટર ફાળવ્યા છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, જૂન મહિનામાં અમદાવાદમાં કેસનું પ્રમાણ ઘટ્યું છે. પહેલાં અમદાવાદમાં કોરોનાના કેસ વધતા હતા. જે તે વિસ્તારમાં જઈને લોકોને દવા આપી છે. પહેલાં દિવસથી રાજ્ય સરકાર સુરતની ચિંતા કરે છે. ધન્વંતરી રથનો પ્રયોગ અમદાવાદમાં સફળ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી સુરતના અધિકારી સાથે ચર્ચા કરી છે.

આ ઉપરાંત રૂપાણીએ જણાવ્યું કે, સુરતની 2 હોસ્પિટલમાં રૂ.100 કરોડનો ખર્ચ કરાશે. 100 કરોડના ખર્ચે 2 હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બનાવીશું. 50 ટકા બેડનો ખર્ચ સરકાર ભોગવે છે. સુરતમાં 100થી વધુ ધન્વંતરી રથ 500 જગ્યાએ ફરશે. દરરોજ 12થી 15 હજાર દર્દીને સ્થળ પર જ દવા અપાશે. કોરોનાના દર્દીને મોબાઈલની છૂટ આપી છે. માસ્ક વગર ન ફરવા CM રૂપાણીએ લોકોને અપીલ કરી હતી.

આ ઉપરાંત સીએમ રૂપાણીએ કહ્યું કે, ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં કોરોનાના કેસ વધ્યા છે. સંક્રમણ રોકવા નિયમ નહીં પાળે તો કાર્યવાહી થશે. નિયમનું ઉલ્લંઘન કરતા કારખાના બંધ કરાશે. ડાયમંડ અને ટેક્સટાઈલનો નિર્ણય આગામી સમયમાં કરીશું. કોરોના સાથે રહીને કામ કરવાનું છે. ફરીથી લૉકડાઉનની કોઈ વાત જ નથી તેવું પણ CM રૂપાણીએ જણાવ્યું છે.