CM રૂપાણીએ સામેથી કોરોનાનો ટેસ્ટ કરાવ્યો, નાગરિકોને ટેસ્ટની અપીલ કરી

September 15, 2020

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે સવારે પોતાના નિવાસ સ્થાને એન્ટિજન ટેસ્ટ કરાવ્યો હતો. તત્કાળ પરિણામ આપતા કોવિડ-૧૯ની તપાસકર્તા આ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરીકોને કોઈ પણ પ્રકારના ભય- ડર રાખ્યા વગર ટેસ્ટ કરાવવા આગળ આવવા અપીલકર્તા ટેસ્ટ ઈઝ બેસ્ટ હોવાનું જણાવ્યુ હતુ. કોરોના વાઈરસના ચેપનો ફેલાવો અટકાવવા રાજ્યમાં રોજના ૭૦ હજારથી વધુ નાગરિકોના ટેસ્ટ થઈ રહ્યા છે. રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ સામે સરકારી તંત્રને પ્રભાવી રીતે કાર્યરત કરવા તેમજ ચેપગ્રસ્તોને શોધીને સમયસર સારવાર મળી રહે તેના માટે વીડિયો સંદેશ પણ પ્રસારિત કર્યો હતો. લૉકડાઉન દરમિયાન એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં ગુજરાતમાં ટેસ્ટની સંખ્યા વધારાય, તમામનો ટેસ્ટ થાય તો એક સાથે ૭૦ ટકા નાગરીકો કોરોના પોઝિટિવ મળી આવે તેવુ નિવેદન કર્યું હતુ. મે- જૂન મહિનામાં ગુજરાતભરમાંથી ડોક્ટરો ચેપનો ફેલાવો રોકવા ટેસ્ટનું પ્રમાણ વધારવા, પ્રાઈવેટ પ્રેક્ટિશ કરતા ડોક્ટરોની ભલામણથી પ્રાઈવેટ લેબને ટેસ્ટિંગની મંજૂરી આપવા માંગણી કરી રહ્યા હતા ત્યારે આરોગ્ય અગ્રસચિવ જંયતિ રવિએ દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ જેવા રાજ્યોમાં ટેસ્ટ વધી રહ્યા હતા ત્યારે ''ટેસ્ટ વધશે તો ૭૦ ટકા ગુજરાત કોરોના પોઝિટિવ આવશે'' એ મતલબનું ગણિત સમજાવીને પોતાની નિષ્ફળતા ઢાંકવા ટૂંકો રસ્તો અપનાવ્યો હતો. સરકારી તંત્રને ગેરમાર્ગે દોરતા અગ્રસચિવનો ભાંડો ફૂટી ગયો છે. હવે મુખ્યમંત્રીએ સ્વંય કોરોનાનો ટેસ્ટ કરાવ્યો અને નાગરીકોને સામેથી ટેસ્ટ માટે અગાળ આવવા કહ્યુ છે.