કોકો ગોફ છેલ્લા ૧૫ વર્ષમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી યંગેસ્ટ પ્લેયર બની, ક્રેજસિકોવા સામે મેચ

June 08, 2021

પેરિસ : અમેરિકાની કોકો ગોફે કોઇ પણ મુશ્કેલી વિના ઓનસ જાબેરને ૫૩ મિનિટમાં ૬-૩, ૬-૧થી હરાવીને ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ હતી. આ સાથે તે ક્લે કોર્ટના ગ્રાન્ડસ્લેમમાં છેલ્લા ૧૫ વર્ષમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી યંગેસ્ટ પ્લેયર પણ બની છે. કોકો ગોફનો આગામી મુકાબલો બારબોરા ક્રેજસિકોવા સામે થશે જેણે અમેરિકાની અન્ય એક ખેલાડી સ્લોએન સ્ટિફન્સને ૬-૨, ૬-૦થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. ૩૩મી ક્રમાંકિત ક્રેજસિકોવાએ ૨૦૧૮માં રોલેન્ડ ગરોસ ખાતે ડબલ્સનો ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો. ૨૫ વર્ષીય ક્રેજસિકોવાએ પ્રથમ સેટમાં અમેરિકન ખેલાડીની બે વખત સર્વિસ બ્રેક કરી હતી. વિશ્વની ભૂતપૂર્વ ત્રીજી ક્રમાંકિત સ્ટિફન્સ ૨૦૧૮ના ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચી હતી. ક્રેજસિકોવાએ ફ્રેન્ચ ઓપન પહેલાં સ્ટ્રાસબોર્ગ ઓપનનું ટાઇટલ જીત્યું હતું.
અમેરિકાની અનુભવી ખેલાડી સેરેના વિલિયમ્સ વિમેન્સ સિંગલ્સમાં અપસેટનો શિકાર બની હતી. કઝાકસ્તાનની ઇલેના રિબાકિનાએ ૬-૩, ૭-૫થી હરાવીને સેરેનાના ૨૪મો ગ્રાન્ડસ્લેમ જીતવાના સ્વપ્નને ચકનાચૂર કરી નાખ્યું હતું. રિબાકિનાએ પ્રથમ સેટ ૬-૩થી જીત્યો હતો અને અમેરિકન ખેલાડી ઉપર દબાણ વધ્યું હતું. સેરેનાએ આક્રમક રમત દાખવી હતી પરંતુ રિબાકિનાએ ધીરજ જાળવી રાખીને ૭-૫થી વિજય હાંસલ કરીને મુકાબલો પોતાના નામે કરી લીધો હતો. રિબાકિના પ્રથમ વખત કોઇ ગ્રાન્ડસ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. ૨૧ વર્ષીય રશિયન ખેલાડીનો આગામી મુકાબલો એનેસ્તેશિયા સામે થશે.
વિમેન્સ સિંગલ્સમાં ૨૪મો ક્રમાંક ધરાવતી કોકો ગોફની હાલમાં ૧૭ વર્ષ અને ૮૬ દિવસની વય છે અને અંતિમ-૮માં પહોંચનાર યંગેસ્ટ પ્લેયર તરીકેનો રેકોર્ડ નિકોલ વૈદિસોવાના નામે છે જેણે ૨૦૦૬ના ફ્રેન્ચ ઓપનમાં ૧૭ વર્ષ અને ૪૪ દિવસની વયે ક્વાર્ટર ફાઇનલ રમી હતી. આ ઉપરાંત કોકો ગોફ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી યંગેસ્ટ અમેરિકન ખેલાડી પણ બની છે. તેણે ૧૯૯૩માં જેનિફર કેપ્રિયાતીએ નોંધાવેલા રેકોર્ડને બ્રેક કર્યો હતો. ગોફે ગ્રાન્ડસ્લેમ પહેલાં પાર્મા ક્લે કોર્ટ ઓપન ટાઇટલ જીત્યું હતું.