દેશના સૌથી મોટા એરપોર્ટનો શિલાન્યાસ : એકસાથે 178 વિમાન પાર્ક થઈ શકશે

November 25, 2021

નવી દિલ્હી : આજે એટલે કે 25 નવેમ્બરે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ(જેવર એરપોર્ટ)નો શિલાન્યાસ કરવામાં આવશે. એ વિશ્વનું ચોથું સૌથી મોટું એરપોર્ટ હશે. એના નિર્માણમાં 29 હજાર 650 કરોડ રૂપિયા ખર્ચાશે. અહીં એકસાથે 178 વિમાન ઊભા રહી શકશે. અમે તમને ફોટો પ્રેઝન્ટેશન દ્વારા જેવર એરપોર્ટ વિશે જણાવી રહ્યા છે.

જેવર એરપોર્ટના નિર્માણમાં 29 હજાર 650 કરોડ રૂપિયા ખર્ચાશે. પ્રથમ ફ્લાઈટ અહીંથી સપ્ટેમ્બર 2024માં ઊડશે. જેવર એરપોર્ટ 5845 હેક્ટર જમીન પર બનશે. જોકે પ્રથમ તબક્કામાં એનું નિર્માણ 1334 હેક્ટર જમીન પર થશે. ફર્સ્ટ ફેઝમાં બે પેસેન્જર ટર્મિનલ અને બે રનવે બનાવવામાં આવશે. પછીથી અહીં કુલ પાંચ રનવે બનશે.

જ્યારે જેવર એરપોર્ટ એના સંપૂર્ણ ક્ષેત્રફળ પર વિકસિત થશે, ત્યારે એ ફ્લોરિડાના ઓરલેન્ડો ઈન્ટરનેશનલ એરપોર્ટને પછાડીને વિશ્વના ચોથા મોટા હવાઈ એરપોર્ટની યાદીમાં સ્થાન બનાવી ચૂક્યું હશે. આ એરપોર્ટ વર્ષ 2030 સુધીમાં દિલ્હી જેવું ઈન્ટરનેશનલ એરપોર્ટ બની શકશે.

પ્રથમ વર્ષે લગભગ 40 લાખ મુસાફરની અવર-જવર રહેશે. 2025-2026માં મુસાફરોની સંખ્યા 70 લાખ થઈ શકે છે. દર વર્ષે આ સંખ્યા બેગણી વધવાનું અનુમાન છે. 2044 સુધીમાં મુસાફરોની સંખ્યા લગભગ 8 કરોડ થાય એવી શક્યતા છે.

અહીં એકસાથે 178 વિમાન ઊભા રહી શકશે. એર ટ્રાફિક વધવા પર આનાથી વધુ રનવે બનાવવામાં આવી શકે છે. ઘરેલુ ઉડાનોમાં 40 ટકા માગ મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નઈ જેવી મેટ્રો સિટીમાં અવર-જવર કરનારા મુસાફરોની છે. આ કારણે જેવર એરપોર્ટથી શરૂઆતમાં 8 ઘરેલુ ઉડાન શરૂ કરવામાં આવશે.

આ એરપોર્ટ ચાર એક્સપ્રેસ-વે, મેટ્રો, બુલેટ ટ્રેન અને પોડ ટેક્સી સાથે જોડાશે. એની સૌથી ખાસ વાત એ છે કે મેટ્રો અને બુલેટ ટ્રેન સ્ટેશન એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં બનશે, એમાં હવાઈ મુસાફરી કરનારા પેસેન્જરની તમામ સુવિધાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.