ગુજરાતમાં કોલ્ડવેવ:મોડી રાતથી ગુજરાતીઓના દાંત કકડાવી દેતી ઠંડી, અમદાવાદે ધુમ્મસની ચાદર ઓઢી

January 24, 2023

અમદાવાદ  : મીટિયોરોજિકલ સેન્ટર, અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાત તથા દીવ-દમણ, દાદરા-નગર અને હવેલી માટે આજે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે રાતથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જ્યારે આજે વહેલી સવારે હાડ થિજાવતી ઠંડીનો અનુભવ અમદાવાદીઓ સહિત રાજ્યભરના લોકોએ કર્યો હતો. એ અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, તમામ પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, મામલતદારો તથા જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીને સાવચેતીનાં પગલાં લેવા અને અસરકર્તાઓને જરૂરી જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

આગામી 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો નોંધાઈ શકે છે, સાથોસાથ ચાર દિવસ દરમિયાન પણ તાપમાન નીચું રહેવા તથા ઠંડા પવનો ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શીત લહેરની સંભાવનાઓને પગલે લોકોએ કેટલીક તકેદારી રાખવાની અપીલ કરી છે, સાથોસાથ માર્ગદર્શિકા જાહેર કરી છે.

સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી શહેરમાં સોમવાર સવારથી બપોર સુધી ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. એને લીધે સામાન્ય રીતે 3થી 4 કિલોમીટરની વિઝિટિબિલિટી ઘટીને 1 કિલોમીટર થઈ ગઈ હતી. સોમવારે શહેરનું લઘુતમ તાપમાન 10.3 ડીગ્રી રહ્યું હતું. હવામાન વિશેષજ્ઞની આગાહી મુજબ બુધવારથી બે દિવસ વાદળિયું વાતાવરણ રહેશે. જોકે 29 જાન્યુઆરીથી કોલ્ડવેવનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. આ સમય દરમિયાન ઠંડીનો પારો 10 ડીગ્રીની આસપાસ રહી શકે છે અથવા એનાથી નીચે પણ જઈ શકે છે.