શાહીન બાગની મહિલાઓ સાથે કમિટીની વાટાઘાટો નિષ્ફળ

February 22, 2020

નવી દિલ્હી : શાહીન બાગમાં બે મહિનાથી વધુ સમયથી મહિલાઓ સીએએ, એનઆરસી, એનપીઆરનો વિરોધ કરી રહી છે. મહિલાઓ અહીં ધરણા પર બેઠી છે. આ સ્થિતિ વચ્ચે વાટાઘાટો માટે એક એક સમિતીને મોકલવામાં આવી હતી, જોકે ત્રણ દિવસની વાતચીત બાદ આ કમિટી પરત આવી ગઇ છે. 
બીજી તરફ એવા અહેવાલો છે કે કમિટી અને આંદોલનકર્તાઓ વચ્ચે થયેલી વાતચીતમાં પણ કોઇ નિકારણ નથી આવ્યું જેને પગલે આ કમિટીએ પરત આવી જવુ પડયું છે. પ્રદર્શન કરી રહેલા લોકોની માગણી છે કે સીએએ, એનઆરસી, એનપીઆર વગેરેનો અમલ ન થાય.

અગાઉ શાહીન બાગની મહિલાઓએ અમિત શાહને પણ મળવાનો પ્રયાસ કર્યો હતો પણ અનુમતી ન હોવાથી મળી નહોતી શકી. સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે જ્યાં એવા દાવા થયા છે કે મહિલાઓ જે સ્થળે પ્રદર્શન માટે બેઠી છે ત્યાં રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે.

બાદમાં સુપ્રીમ કોર્ટની દેખરેખરમાં રચાયેલી કમિટીએ આ મહિલાઓને મનાવવાનો પ્રયાસ કર્યો હતો, શુક્રવારે જ્યારે વકીલ સાધના રામચંદ્રન અહીં પહોંચીને સવાલ કર્યો કે તમે રોડ કેમ બ્લોક કર્યો છે તો મહિલાઓએ જવાબ આપ્યો હતો કે અમે સ્વરક્ષા માટે આમ કર્યું છે. આ પ્રકારના સવાલ જવાબ બાદ સમિતી પરત આવી ગઇ હતી, એટલે કે વિવાદનો કોઇ જ ઉકેલ હજુ નથી આવ્યો અને વિરોધ પ્રદર્શન ચાલુ છે.