CM અને પાર્ટી અધ્યક્ષ પદ છોડી દઈશ : ઉદ્ધવ ઠાકરે

June 22, 2022

એકનાથ શિંદેએ પોતાનો પાર્ટી વ્હિપ નિયુક્ત કરીને 34 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર રાજ્યપાલને મોકલીને શિવસેના પર જ દાવો ઠોકી દીધો છે. આ પગલાં બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની જનતા સાથે ફેસબુક લાઈવની મદદથી વાત કરી રહ્યાં છે. જે 5 વાગ્યે શરૂ થવાનું હતું, પરંતુ તેમાં લગભગ 40 મિનિટ મોડું થયું. તેમને કહ્યું કે શિવસેના અને હિન્દુત્વ એક જ સિક્કાની બે બાજુ છે અને બંનેને કયારેય અલગ ન કરી શકાય.

ઉદ્ધવે કહ્યું- 2014ની ચૂંટણી અમે અમારા દમ પર અને હિન્દુત્વના મુદ્દે લડી હતી. અમે તે સમયે પણ મુશ્કેલ સમસ્યામાં ચૂંટણી લડી હતી. તે વાતનું ધ્યાન રહે કે 2014 પછી જે લોકો બોલી રહ્યાં હતા કે શિવસેના બાળા સાહેબ ઠાકરેવાળી નથી. તેઓ ધ્યાન રાખે કે નવી શિવસેનાથી જ મંત્રીપદ મળ્યા છે. હાલ વિધાનપરિષદની ચૂંટણી થઈ. જે બાદ તમામ ધારાસભ્ય એક હોટલમાં હતા. હું ત્યાં ગયો. ત્યાં પણ મેં કહ્યું હતું કે શિવસૈનિક મહેનત કરી રહ્યાં છે, જનતા વિશ્વાસ રાખે છે, પરંતુ આપણાં લોકોને એકજૂથ રાખવા માટે ઘણી મહેનત કરવી પડે છે.

શરદ પવારે મને કહ્યું હતું કે, હું વાત કરવા માંગુ છું. તેમને કહ્યું હતું કે, તમે મુખ્યમંત્રીની જવાબદારી સંભાળો. કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાને એક સાથે કામ કરવું હશે તો તમારે જ નેતૃત્વ સંભાળવું પડશે. સોનિયા ગાંધી પણ ફોન કરતા હતા. આ પાછળ મારો કોઈ સ્વાર્થ નથી. આ દરેક લોકોએ મને મદદ કરી છે.

મને ખુરશી પર બેસવાનો કોઈ મોહ નથી. હું પરાણે ખુરશી પર બેસવા પણ નથી માંગતો. પણ ધારાસભ્યોને જે પણ કહેવું હોય તે સામે આવીને કહે. એક બાજુ એવું કહે છે કે હું શિવસૈનિક છું અને પછી આવું કામ કરે છે. કહેવત છે કે, કુહાડીમાં લાકડાનો હાથો હોય છે અને તે જ ઝાડ કાપતો હોય છે. પાર્ટી સાથે દગાખોરી સારી વાત નથી.

શિંદે મને કહેતા તો હું રાજીનામું આપી દેત. જો તમે ઈચ્છો છો કે હું મુખ્યમંત્રીની ખુરશી પર ના રહું તો કહો. જો ધારાસભ્યો મને કહેશે તો હું ખુરશી છોડવા તૈયાર છું. જ્યાં સુધી શિવસૈનિકો મારી સાથે છે હું દરેક પડકારોનો સામનો કરવા તૈયાર છું. જે લોકો કહે છે કે, હું શિવસૈનિકોનું નેતૃત્વ કરવાને લાયક નથી તો હું તેમની વાતને મહત્વ નથી આપતો. હું સંકટો સામે ઝઝુમનાર શિવસૈનિક છું. શિવસૈનિકો કહેશે કે હું પદ છોડી દઉં, તો હું છોડી દઈશે. ઉદ્ધવ ઠાકરે ના જોઈએ તો પણ ઠીક છે પરંતુ આ વાત સામે આવીને કહો.