જમીન પર કોંગ્રેસનુ સંગઠન છે જ નહી અથવા બહુ નબળુ છેઃ પી.ચિદમ્બરમ

November 19, 2020

નવીદિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ બાદ હવે પી.ચિદમ્બરમે પણ પાર્ટી વિરુધ્ધ નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. પી.ચિદમ્બરમે કહ્યુ છે કે, બિહાર ચૂંટણી અને બીજા રાજ્યોની પેટા ચૂંટણીના જે પરિણામો આવ્યા છે તે દર્શાવે છે કે, કોંગ્રેસ પાસે જમીન પર સંગઠન બહુ નબળુ છે અથવા છે જ નહીં. કપિલ સિબ્બલે પણ પાર્ટીની જાહેરમાં ટીકા કરી હતી.જેના પરનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં તો હવે બીજા એક વરિષ્ઠ નેતાએ એક અખબારને આપેલી મુલાકાતમાં સવાલો ઉઠાવ્યા છે.પી.ચિદમ્બરમનુ નિવેદન પાર્ટીમાં વધારે વિવાદ સર્જી શકે છે.તેમણે કહ્યુ હતુ કે, મને બિહાર કરતા પણ ગુજરાત, યુપી ,મધ્યપ્રદેશ અને કર્ણાટકની ચૂંટણીઓના પરિણામથી વધારે ચિંતા થઈ રહી છે.આ પરિણામો બતાવે છે કે, પાર્ટીનુ સંગઠન બહુ નબળુ છે.બિહારમાં આરજેડી અને કોંગ્રેસ પાસે જીતવાનુ મોકો હતો.આપણે જીતની નજીક હોવા છતા કેમ હારી ગયા તેની સમીક્ષા થવી જોઈએ.આપણે બહુ ઓછા સમય પહેલા રાજસ્થાન, એમપી, છત્તીસગઢ અને ઝારખંડમાં જીત મેળવી ચુક્યા છે. તેમણે કહ્યુ હતુ કે, જો સંગઠન મજબૂત હોય તો નાના પક્ષો પણ સારો દેખાવ કરી શકે છે તેવુ બિહાર ચૂંટણીએ સાબિત કરી આપ્યુ છે.ભાજપને હરાવવા માટે આપણે જમીન પરનુ સંગઠન મજબૂત કરવુ પડશે.મને લાગે છે કે, કોંગ્રેસે પોતાની તાકાત કરતા વધારે સીટો પર બિહારમાં ચૂંટણી લડી છે.કોંગ્રેસને 25 બેઠકો તો એવી ફાળવવામાં આવી હતી જ્યાં ભાજપ કે સાથી પક્ષો 20 વર્ષથી જીતતા આવ્યા છે.આ બેઠકો પર કોંગ્રેસે ચૂંટણી લડવાની જરુર નહોતી.પાર્ટીએ માત્ર 45 ઉમેદવારોને લડાવવાની જરુર હતી.